અત્યાર સુધી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર અને સર્વરની આયાત ‘ફ્રી’ કેટેગરીમાં હતી, જેને હવે ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકવામાં આવી છે. એટલે કે તેમને આયાત કરવા માટે લાયસન્સ જરૂરી રહેશે. કેટલાક મામલામાં છૂટ પણ આપવામાં આવી છે. જો તમે વિદેશથી પરત ફરતી વખતે લેપટોપ પરત લાવતા હોવ તો તમારે લાયસન્સની જરૂર નહીં પડે.
લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને સર્વરની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવાના સરકારના નિર્ણયનો હેતુ દેશમાં તેમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ડેલ, એસર, સેમસંગ, એલજી ઇલેક્ટ્રોનિક્સ, એપલ, લેનોવો અને એચપી જેવી કંપનીઓ ભારતમાં લેપટોપ વેચે છે, પરંતુ તેનો મોટો હિસ્સો ચીન અને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. સરકારી ડેટા અનુસાર દેશની કુલ આયાતમાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરનો હિસ્સો લગભગ 1.5% છે. આમાંથી લગભગ અડધી ચીનમાંથી આયાત કરવામાં આવે છે. ડેલ અને એચપી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવતી એકમાત્ર મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ છે. સરકાર ઈચ્છે છે કે અન્ય બ્રાન્ડ ભારતમાં ઉત્પાદન શરૂ કરે અને દેશને ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્પાદન હબ બનાવે. સોમવાર 31 જુલાઈ, 2023ના રોજ, સરકારે IT હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 30 ઓગસ્ટ, 2023 કરી. તે જ દિવસે (જુલાઈ 31), રિલાયન્સે નવી ‘JioBook’ લોન્ચ કરી, જે 5 ઓગસ્ટથી વેચાણ પર જશે.