અમિતાભ બચ્ચન મુંબઈમાં હોય તો દર રવિવારે ચાહકોને મળતા હોય છે. જોકે, આ રવિવારે બિગ બી મુંબઈમાં હોવા છતાંય બંગલાની બહાર આવ્યાં નહોતાં. ટ્વિટર પર અમિતાભે પોતાના ચાહકોની માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 36 વર્ષથી દર રવિવારે અમિતાભ પોતાના જલસા બંગલાની બહાર ચાહકોને સન્ડે દર્શન આપતા હોય છે. અમિતાભે ટ્વીટ કરી હતી, મેં ચાહકોને ના પાડી હતી તેમ છતાંય તેઓ મને મળવા આવ્યા. હું માફી માગું છું. હું ઘરની બહાર આવી શક્યો નહીં. આ ટ્વીટ સાથે અમિતાભે ચાહકોની ભીડ બંગલા બહાર જમા થઈ હોય, તેની તસવીર શૅર કરી હતી.
અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યાં હોવાની ચર્ચા થતી હતી. જોકે અમિતાભ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા નહોતાં. ઉલ્લેખનીય છે કે ‘કુલી’ અકસ્માત બાદ અમિતાભ બચ્ચનને 200 ડોનર્સે લોહી આપ્યું હતું અને 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું. આ ડોનર્સમાં કોઈકને હિપેટાઈટીસ બી હતો, જે અમિતાભને પણ થયો. આને કારણે અમિતાભનું લીવર 75 ટકા ખરાબ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012મા અમિતાભે સર્જરી કરાવી હતી અને તેઓ 12 દિવસ હોસ્પિટલમાં રહ્યાં હતાં.