બુધવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 51મી GST કાઉન્સિલમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા ટેક્સની મોડલિટીઝ પર ચર્ચા થઈ હતી. સીતારમણે GST કાઉન્સિલની 51મી બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી 1 ઓક્ટોબરથી લાગુ થવાની અપેક્ષા છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે અમલીકરણના 6 મહિના પછી તેની સમીક્ષા કરવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ કહ્યું કે 28 ટકા ટેક્સ લાદવાનો નિર્ણય 3 વર્ષની લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવા માટે જરૂરી સુધારાની ભાષા પર ચર્ચા કરી.
નાણામંત્રીએ કહ્યું કે GST કાઉન્સિલની બેઠક દરમિયાન દિલ્હી, ગોવા અને સિક્કિમે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી હતી. તમિલનાડુ પણ ભયભીત હતું કારણ કે ત્યાં આવી રમતો પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત અન્ય રાજ્યો 28 ટકા ટેક્સની તરફેણમાં છે અને શક્ય તેટલી વહેલી તકે તેને લાગુ કરવા માંગે છે.