અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.
ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા
આજથી ૧૪૨ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલી વખત ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરી હતી. જો કે ત્યારે રથયાત્રા એટલી મોટી ન હતી પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો અને આજે બીજા નંબરે અમદાવાદની રથયાત્રા બની ગઈ છે.
કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી
જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. જો ઈતિહાસની વાત કરીએ તો સારંગજીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમજ જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. જો કે આ મંદિરની સ્થાપના પાછળ એક આદેશ કાણભૂત છે. એક દિવસ સારંગજીદાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. જેના પગલે તેઓ પુરીથી ભગવાનની મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરી. તેમજ સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 1 જૂલાઈ 1978માં અષાઢી બીજના દિવસે પહેલી રથયાત્રા નીકાળવવામાં આવી હતી.
26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. તેમજ સવારે મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામં આવે છે. તેના પછી સવારે રાજ્યાના મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. તેના પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ
આજથી ૧૪૨ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે વખતે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. અને બસ ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના લોકો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. તેમજ ભગવાનનું મામેરું કરવામાં આવે છે.
રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી પોતાના મોસાળમાં રોકાય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેના કારણે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. તેના પછી મંગળા આરતી કરવામાં આવશે. મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. તેમજ લાખોની સંખ્યામાં ભક્તો આ ભંડારાનો લાભ લેશે.
તે સિવાય અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગમી 4 જુલાઈના રોજ અમદાવાદમાં 142મી રથયાત્રા નીકળશે.
ઉલ્લેખનીય છે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. તે સિવાય કોઈ અણબનાવ ન બને તે માટે SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. તે સિવાય ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરશે.
જગન્નાથજી રથયાત્રામાં આ વખતની વિશિષ્ટતા ૧૬ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, ૧૮ ભજન મંડળીઓ ૩ બેન્ડવાજા, ૨૦૦૦ સાધુ-સંતો હશે. તેમજ રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટના એકપણ હાથી નહી હોય.