ખાંડવી એ ગુજરાતના લોકોનું અત્યંત લોકપ્રિય તેમ જ સ્વાદિષ્ટ ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં ‘ફાઇન બેસન’નાં નામથી વેચાય છે. તેમજ ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે ખૂબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે ખાંડવી તેમાંની એક છે. આજે અમે તમારી સાથે ખાંડવી બનાવવાની એક સરળ રીત શેર કરવા જઈ રહ્યા છીએ.
મુખ્ય સામગ્રી : ચણાનો લોટ, પાણી, લીંબુના ફુલ, તેલ
બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સામગ્રી :
- ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
- ૬૦૦ મીલી પાણી
- ૧/૪ ટેબલ સ્પૂન લીંબુના ફુલ
- ૨ ટેબલ સ્પૂન તેલ
- ૩ થી ૪ લીલા મરચા
- ૧ ટેબલ સ્પૂન તલ
- ૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર-શણગાર માટે
- ૨ ટેબલ સ્પૂન કોપરાનું છીણ-શણગાર માટે
- સ્વાદ પ્રમાણે મીંઠુ
- ૧/૪ ટેબલ સ્પૂન હીંગ
- ૧/૪ ટેબલ સ્પૂન હળદર
- રાંઇ ૧/૨ ટેબલ સ્પૂન
બનાવવાની રીત:
- ૬૦૦ મીલીમાં ૨૦૦ ગ્રામ ચણાનો લોટ તથા સ્વાદ પ્રમાણે મીંઠુ અને લીંબુના ફુલ નાખો. મિશ્રણને એક રસ કરો.
- ખીરાને કુકરમાં મુકી ૩ સીટી વગાડો. કુકર ઠરે પછી થોડા ખીરાને એક વાસણમાં લઇ ઠરવા દો. ઠરી ગયેલું ખીરૂ એક વાસણમાંથી સહેલાઇથી ઉખડે નહી તો ફરી એક સીટી વગાડો. અથવા ખીરાને નોનસ્ટીક કે જાડા વાસણમાં લઇને ગેસ પર મીડીયમ આંચે સતત હલાવતા રહીને ગરમ કરો. અને ઉપર પ્રમાણે ખીરાને ચેક કરી લો
- બે માટી થાળી કે કુકીંગ સ્ટેન્ડ પર તેલ લગાવીને ખીરાને પતલું પાથરીને પહોળુ કરો, અને ઊભા અઢી ઇંચના ઊભા કાપા પાડો.
- પાથરેલું ખીરૂ ઠરી ગયા બાદ હળવે હાથે ઊભા કાપા પ્રમાણે ગોળ વીંટા વાળો. (કાચી ખાંડવી તૈયાર).
- એક નાના વાસણમાં વઘાર માટે બે ટેબલ સ્પૂન તેલ લઇને તેમાં રાંઇ, હીંગનો વઘાર મુકો. રાંઇ તતડી જાય એટલે તેમાં તલ તથા લીલા મરચાના ટુકડા નાખીને બે મિનિટ રાખો.
- તૈયાર તેલના વઘારને, કાચી ખાંડવી પર રેડો.
- તૈયાર ખાંડવી ઉપર કોપરાનું છીણ તથા કોથમીર ભભરાવી સર્વ કરો. (લીલા કોપરાનું છીણ પણ નાખી શકાય.)
નોંધ:
સ્ટેપ-૨ માં ખાંડવીને હલાવતી વખતે ગાંઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગાંઠા થાય તો ફરીથી હલાવી એક રસ કરવું.
સ્ટેપ-૧ માં પાણીની જગ્યાએ પાતળી છાશ પણ વાપરી શકાય, છાશની ખટાશ પ્રમાણે લીંબુના ફુલના પ્રમાણમાં ફેરફાર કરવો.