કેન્દ્રમાં 2024માં ભાજપ સરકાર ન બને તે માટે એકજૂથ થઈ રહેલા વિપક્ષ નેતાઓ જો સંયુક્ત સરકાર રચાય તો વડાપ્રધાન કોણ? તે મામલે હવે અટકળો શરૂ થતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પદ અંગે પોતાનું સ્ટેન્ડ જણાવી દીધું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું એમકે સ્ટાલિનના જન્મદિવસ પર ચેન્નાઈમાં અગાઉ પણ કહી ચૂક્યો છું કે કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી અને અત્યારે પણ એજ કહીશ કે કોંગ્રેસને પીએમ બનવામાં રસ નથી.
આ એકતા બેઠકનો હેતુ માત્ર બંધારણ, લોકશાહી અને સામાજિક ન્યાયને બચાવવાનો છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમારી અહીં 26 પાર્ટીઓ છે, 11 રાજ્યોમાં અમારી સરકાર છે. ભાજપે પોતાના દમ પર 303 બેઠકો જીતી ન હતી, પરંતુ તેણે તેના સહયોગીઓના વોટ શેર પણ જીત્યા હતા અને સત્તામાં આવી હતી. આજે ભાજપ અલગ-અલગ રાજ્યોમાં પોતાના સાથી પક્ષોને એકસાથે લાવવામાં વ્યસ્ત છે.
બેંગલુરુમાં આ સંયુક્ત બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
ખડગેએ કહ્યું કે આજે દરેક સંસ્થાને નિશાન બનાવવામાં આવી રહી છે. સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ સહિત અન્ય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકારણીઓ પર ખોટા કેસ કરીને તેમને પકડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આપણા સાંસદને સસ્પેન્ડ કરાવવા માટે બંધારણીય સંસ્થાઓનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ એકજૂથ થયા છે.
આમ કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નહી હોવાનું તેઓએ ફરી જાહેર કર્યું છે.