ભાજપ સરકારને સત્તા ઉપર આવતા રોકવા માટે વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે અને લોકસભાની લગભગ 450 બેઠકો માટે એકજૂથ થઈને સામાન્ય ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે તેવે સમયે જેપી નડ્ડાનું નિવેદન સામે આવ્યું છે.
ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપતા, જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કાયદાના શાસનમાં માને છે અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નેતાઓ સામે કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે મોદી સરકારે છેલ્લા નવ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
વિપક્ષી નેતાઓ પર ED અને CBIના દુરુપયોગના વિપક્ષના આરોપો અંગે નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસ વર્તમાન મોદી સરકારના સમયનો નથી.
આ કેસ તો મોદી સરકારની પહેલાનો છે, જેમાં બંને જામીન પર બહાર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મની લોન્ડરિંગની તપાસ કુદરતી પ્રક્રિયા હેઠળ થઈ હતી.
આમ,વિપક્ષ નેતાઓ ગમે તે કરે પણ તેઓ સામે કાર્યવાહી ચાલુ રાખવાની વાત જેપી નડ્ડાએ કરી હતી.