ભારતમાં મોદી સરકારને હઠાવવા માટે વિપક્ષી નેતાઓ એક થઈ રહયા છે અને બેઠકો કરી રણનીતિ તૈયાર કરી રહયા છે ત્યારે બીજી તરફ મોદી સરકારે તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન 13.5 કરોડ ગરીબોની ગરીબી દૂર કરી ગરીબીમાંથી બહાર લાવ્યા હોવાની વાત નીતિ કમિશનના ડેટામાં કહેવામાં આવી છે
નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે,મોદી સરકારે ગરીબી હઠાવી છે અને તેનું મુખ્ય કારણ વિવિધ યોજનાઓ છે,જેના કારણે ગરીબી ઘટાડાના મોરચે આ સફળતા મળી છે,રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રીની વિવિધ જનહિત સાથે જોડાયેલી યોજનાઓએ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે અને દેશમાં ગરીબી ઓછી થઈ છે.
નીતિ આયોગના આ આંકડા મુજબ પોષણમાં સુધારો, સ્કૂલ યરમાં વધારો, સ્વચ્છતામાં સુધારો અને એલપીજીની ઉપલબ્ધતાએ ગરીબી ઘટાડવામાં ઘણી મદદ કરી છે. રાષ્ટ્રીય એમપીઆઈ 12 એસડીજીમાં આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણને માપે છે. તેમાં પોષણ, બાળ અને કિશોરોનો મૃત્યુદર, માતાનું સ્વાસ્થ્ય, શાળાકીય શિક્ષણનાં વર્ષો, શાળામાં હાજરી, રાંધણગેસ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, અસ્કયામતો અને બેંક ખાતાઓનો સમાવેશ થાય છે.
રિપોર્ટ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ છે જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 8.65 ટકાથી ઘટીને 5.27 ટકા થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં 3.43 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી શક્યા છે અને બિહાર અને મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં ગરીબી ઓછી થઈ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ દ્વારા સોમવાર, 17 જુલાઈ, 2023 ના રોજ ગરીબી રેખા પર રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: એ પ્રોગ્રેસ રિવ્યુ 2023 નામના બહાર પાડેલા અહેવાલમાં આ મુજબ જણાવાયુ છે અને 2015થી 2023 સુધી ગરીબી ધરાવતા લોકોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.