ભારત તહેવારોનો દેશ છે. અને તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન ના દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. શું તમે એવું નહિ ઈચ્છો કે તમારી જાતે બનાવેલી મીઠાઈ, તમારા ભાઈને ખવડાવી રાખડી બાંધો. આ માટે આજે અમે તમને શીખવવાના છીએ 5 એવી મીઠાઈ ની વાનગી જે તમે તમારા ઘરે જ બનાવી શકશો. તો આ રક્ષાબંધન માં તમે તમારા ભાઈને જાતે બનાવેલી મીઠાઈ ખવડાવો.
કાજુ કલશ ગ્લોરી :-
સામગ્રી:
- કાજૂ ટુકડી 100 ગ્રામ
- માવો(તાજો) 100 ગ્રામ
- ખાંડ (વાટેલી) 150 ગ્રામ
- ઈલાયચી વાટેલી 6
- કેસરી રંગ થોડો
- પિસ્તા 20 ગ્રામ
બનાવવાની રીત:
- કાજૂ મિક્સરમાં વાટો.
- કડાહીમાં માવો ગરમ કરીને ઉતારી લો.
- ઠંડો થાય કે તેમા ખાંડ, ઈલાયચી પાવડર, કાજુ પાવડર નાખીને લોટ જેમ બાંધી મુકો.
- નાના લૂઆ બનાવી કળશનો શેપ આપો.
- દરેક કળશ પર પિસ્તા થી ડેકોરેશન કરો.
- થોડીવાર ફ્રિજમાં મુકો.
- કેસરીયા રંગથી કળશ પર સાથિયો બનાવો અને સર્વ કરો.
સેંડવિચ રબડી ઘેવર :-
સામગ્રી:
- બ્રેડ (વાડકીથી ગોળ કાપેલી) 10 પીસ
- ખાંડ દોઢ વાડકી ઘટ્ટ રબડી અથવા મલાઈ 1 વાડકી
- કેસર 10-12 રેશા
- ઈલાયસી અડધી ચમચી
- બદામ-પિસ્તાની કતરન 2 મોટી ચમચી
- તળવા માટે ઘી
બનાવવાની રીત:
- સૌ પહેલા ખાંડમાં અડધો વાડકી પાણી નાખીને તેને ઉકાળી લો અને ઉતારી લો.
- હવે ઘી ગરમ કરો અને તેમા બ્રેડના ગોળ આકાર તળી લો.
- તળેલી બ્રેડને ચાસણીમાં નાખી દો.
- 10 મિનિટ પછી બ્રેડને એક પ્લેટમાં કાઢીને મુકો.
- હવે રબડીમાં કેસર ઈલાયચી નાખીને તળેલી બ્રેડ પર રબડી નાખો.
- કેસર પિસ્તાથી સજાવીને સર્વ કરો.
કેસર પેંડા :-
સામગ્રી:
- ૧/૪ ટીસ્પૂન કેસરના રેષા
૨ કપ ભૂક્કો કરેલો માવો
૧ ટીસ્પૂન દૂધ
૧/૨ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
બનાવવાની રીત:
- એક નાના બાઉલમાં દૂધ સાથે કેસર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
- ત્યારબાદ તેમાં સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણને એક થાળીમાં પાથરીને તેને ઢાંકીને એક દીવસ રહેવા દો.
- તે પછી માવાના મિશ્રણનો ભૂક્કો કરી તેમાં એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી.ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.
નોંધ: મિશ્રણ જ્યારે ૧ દિવસ માટે સંપૂર્ણ રીતે ઠંડું પડી જાય, ત્યારે તે કડક થઇ જશે પણ તેનો ભૂક્કો કરવાથી જોઇએ તેવું પણ બની જશે. કેસર પેંડા બનાવીને હવાબંધ બરણીમાં મૂકી ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજા રહેશે.
કેસર કાજુ કતરી :-
- સામગ્રી:
- 500 ગ્રામ કાજુ
- 200 ગ્રામ ખાંડ
- 1 ટેબલસ્પૂન દૂધ
- 1 ટીસ્પૂન કેસરના તાંતણા
- ચપટી કેસરી કલર (ઓપ્શનલ)
- ચાંદીનો વરખ
બનાવવાની રીત:
- કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
- દૂધ ગરમ કરી, તેમાં કેસરને થોડીવાર પલાળી રાખી, બરાબર ઘુંટવું.
- હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી.
- ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કેસરવાળું દૂધ અને કલર નાંખી, બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે રાખવું.
- પછી તેમાં કાજુનો ભૂકો નાંખી, મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
- મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેનો ગોળો વાળવો.
- પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી તેનો જાડો રોટલો બનાવવો.
- ત્યારબાદ તેના કાપા પાડી, ઉપર ચાંદીની વરખ લગાડવી.
- તૈયાર છે મજેદાર કેસર-કાજુ કતરી.
ચોકલેટ બરફી :-
- સામગ્રી:
- 250 ગ્રામ કોકો પાવડર
- 1 કપ ગોળ(અથવા ખાંડ) 1 ચમચી ઇલાયચી
- 3-4 મોટી ચમચી ઘી
- 1 કપ સ્કિમ્ડ મિલ્ક
- 1 કપ સોજી(સામાન્ય શેકેલો)
- 1 કપ છીણેલું નારિયેળ
- ગાર્નિશિંગ માટે અડધો કપ કાજુ અને બદામ
બનાવવાની રીત:
- કોકો પાવડરને દૂધ સાથે મિક્સ કરો.
- એક પેનમાં આ મિશ્રણની સાથે શેકેલો સોજી, નારિયેળ, ગોળ, ઘી, ઇલાયચી મિક્સ કરી ત્યાં સુધી હલાવો જ્યાં સુધી પેસ્ટ ઘટ્ટ ન બની જાય.
- હવે એક પ્લેટ પર ઘી લગાવો અને તેના પર આ મિશ્રણને સારી રીતે પાથરી દો અને ઠંડુ થવા મૂકી દો.
- આ બરફીને નાના ટૂકડાંમાં કાપો અને ઉપરથી કાજુ અને બદામ નાંખી ગાર્નિશ કરો.
તો આ છે 5 વાનગીઓ જે તમે રક્ષાબંનધ પર બનાવીને તમારા ભાઈને ખુશ કરી દેશો.