ઘણીવાર એવું બને છે કે વિદેશમાં ફરતી વખતે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઘણાં લોકો પોતાના પાસપોર્ટનો ખ્યાલ રાખતા નથી, જેથી તે ખોવાઇ જાય છે. તેના કારણે અમે લઇને આવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ કે રખેને તમારો પાસપોર્ટ ખોવાઇ જાય, તો પણ તમે નચિંત ફરી શકો.
૧. જ્યારે પણ ખબર પડે કે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે તો સૌથી પહેલા નજીકનાં પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો, જેથી તમારી ઓળખનો દુરુપયોગ ન થઈ શકે. ત્યાર પછી તમારા દેશની એમ્બેસીમાં આ વાતની જાણ કરો, જેથી તમારા પાસપોર્ટને કેન્સલ કરી શકાય.
૨. પોતાના દેશમાં પાછા ફરાવની તમારી ફ્લાઈટમાં કેટલો સમય બાકી છે, તેને ધ્યાનમાં રાખીને યાત્રીને એક ટેમ્પરરી/પર્મનન્ટ પાસપોર્ટ આપવામાં આવે છે. જો યાત્રીને તાત્કાલિક ફ્લાઈટ લેવાની હોય તો એમ્બેસી તમને તત્કાલ સર્ટિફિકેટ આપશે.
૩. વિદેશ પ્રવાસ દરમિયાન સાથે ઈમર્જન્સીમાં કામ લાગે તેવા નંબર અને સરનામાની યાદી સાથે રાખો. સાથે જ તેમાં તમારી હોટલ પાસેના પોલીસ સ્ટેશન, પોતાના દેશની એમ્બેસીનું એડ્રેસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર વગેરે ખાસ રાખો. દુનિયાભરમાં સ્થિત ભારતીય પાસપોર્ટ મિશન્સ વિશે જાણવા માટે www.passportindia.gov.in પર જાઓ.
૪. જ્યારે પણ બહાર જાઓ ત્યારે પાસપોર્ટની ફોટોકોપી કરાવી લો અને બન્ને અલગ અલગ જગ્યાએ રાખો. આમ તો નવો પાસપોર્ટ બનાવવા માટે જૂનાની ફોટોકોપી આપવી જરૂરી નથી, પરંતુ જૂના પાસપોર્ટની માહિતી જેમ કે પાસપોર્ટની ઈશ્યુ ડેટ, એક્સપાયરી ડેટ વગેરે જણાવાવની હોવાથી કૉપી હોય તો વધારે સારું. આ સિવાય તમારા 2-3 ફોટોસ, ઓળખનો પુરાવો સાથે રાખો. હંમેશા ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવીને પછી જ પ્રવાસ કરો, જેથી આવી દુર્ઘટનાઓને કારણે થતા ખર્ચનું વળતર મળી શકે.