માન્યામાં ન આવ્યું ને? પરંતુ આ વાત સાચી છે. કર્ણાટકના બેંગલુરૂમાં રહેતા શ્રીમાન રમેશ કે જેઓ વાળંદ છે, તેમની પાસે 328 ગાડીઓ છે. જેમાંથી 120 તો લક્ઝુરિયસ ગાડીઓનો સમાવેશ થાય છે. તમને જાણીને વધારે આશ્વર્ય થશે કે આ બધી ગાડીઓ શ્રીમાન રમેશજીએ જાતે વસાવેલી છે. તેમને વારસામાં કાંઇ નથી મળ્યું.
પોતાની વાત જણાવતાં રમેશજી કહે છે કે તેમણે 14 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના પપ્પા વાળંદ હતાં. તેથી પિતાને મદદ કરવા માટે 18 વર્ષની ઉંમરથી જ તેમણે આ ધંધામાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમાંથી તેઓ એક સામાન્ય વાળંદની જેમ જ કમાતા હતાં. હાલમાં પણ તેઓ હેર કટિંગના 150 રૂ. જ લે છે. 1992માં તેમણે પોતાના અંગત કામ માટે મારુતિ ઓમની ખરીદી. જેના હપ્તા ન ભરી શકતા તેને ભાડે આપવાનું શરૂ કર્યુ અને ત્યારબાદ તેમણે પાછળ વળીને જોયું નથી.
રમેશજીની રોલ્સ-રોય્સ
આજે તેમના કાફલામાં ઓડી, મર્સિડીઝ, BMW, રોલ્સ રોય્સથી માંડીને ઘણી લક્ઝુરીયસ કારનો સમાવેશ થાય છે. તેઓ રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પણ ચલાવે છે, જેમાં તેઓ આ બધી ગાડીઓ ભાડે આપે છે. આમ, એક સામાન્ય માણસથી આટલી બધી ગાડીઓમાં માલિક સુધીની તેમની સફર અનોખી રહી છે. તેમનું સપનું હવે સ્ટ્રેચ લિમોઝીન ખરીદવાનું છે! જોઇએ કે 328નો આંકડો હજી કેટલે આગળ વધે છે!