અષાઢ મહિનાની પૂર્ણિમા પછીના દિવસથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. આ વખતે શ્રાવણ મહિનો 14 જુલાઈ એટલે કે ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. 14 જુલાઈથી શરૂ થયા બાદ 12 ઓગસ્ટે તેનું સમાપન થશે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવામાં આવે છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પરણિત અને કુંવારી મહિલાઓ શ્રાવણમાં વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. આથી શ્રાવણમાં વિધિઓ સાથે વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. અને સાથે તેમની ઈચ્છાઓ પૂરી થાય છે. કુંવારી છોકરીઓ ખાસ કરીને સારા વર માટે આ વ્રત રાખે છે.
દેવોના દેવ મહાદેવની પૂજા આ મહિનામાં તેમની વિધિ વિધાનથી કરવી જોઈએ. તેમની પૂજા માટે ભગવાનને તાજું દૂધ, કાળા તલ, ભાંગના પાન, બિલીપત્ર, ધતૂરા અને ગોળ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આ રીતે પૂજા કરવાથી શિવ શંકર પોતાના આશીર્વાદ અવિરત આપતા રહે છે.
શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ
– શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ શ્રાવણ દરમિયાન પોતાના શરીર પર તેલ ન લગાવવું જોઈએ.
– એટલું જ નહીં શ્રાવણ મહિનામાં દિવસે સૂવું પણ ન જોઈએ.
-શ્રાવણમાં રીંગણનું સેવન પણ ન કરવું જોઈએ.
– ભગવાન શિવને કેતકીના ફૂલ ન ચઢાવવા જોઈએ.