ભગવાન શિવના પ્રમુખ ગણોમાંથી એક છે નંદી. નંદી દેવ કૈલાશ પર્વતના દ્વારપાળ પણ છે. શિવ મંદિરમાં ભગવાન શિવ ઉપરાંત નંદીની પ્રતિમાપણ હોય છે. ભાવિક ભક્તો પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે અને આ મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. નંદીના બે શિંગડાની વચ્ચેથી ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે. શા માટે નંદીના બે શિંગડાની વચ્ચેથી દર્શન કરવામાં આવે છે, તેનું કારણ અહીં જણાવવામાં આવ્યું છે.
ભગવાન શિવનું રૂપ જ્યોતિર્મય છે. ભગવાન શિવના એક રૂપને ભૌતિકી શિવ તરીકે ઓળખવામાં આવે છે. ભક્તો રોજ ભગવાન શિવના આ રૂપની આરાધના કરે છે. જ્યોતિર્મય શિવ પંચતત્વોથી બનેલું છે. ભૌતિકી શિવનો વૈદિક રીતે અભિષેક તથા મંત્રોચ્ચારણ કરવામાં આવે છે. જ્યોતિર્મય શિવ તંત્ર વિજ્ઞાન દ્વારા દર્શન આપે છે. આ વિજ્ઞાનને જેટલા લોકોએ જાણ્યું, જેટલા લોકોએ ભગવાન શિવના આ રૂપનું દર્શન કર્યું, તેટલા લોકોએ આ જ્ઞાનને ગોપનીય રાખ્યું છે.
શિવ પરિવાર પંચતત્વથી નિર્મિત છે. તત્વોના આધાર પર શિવ પરિવારનું વાહન સુનિશ્ચિત છે. શિવ પંચતત્વથી મિશ્રિત જળપ્રધાન છે. ભગવાન શિવના વાહન નંદીએ આકાશ તત્વ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકારે માતા ગૌરીએ અગ્નિ તત્વ પ્રાપ્ત કર્યું છે અને તેમનું વાહન સિંહ (અગ્નિ તત્વ) છે. સ્વામી કાર્તિકેય વાયુ તત્વ છે અને તેમનું વાહન મયૂર (વાયુ તત્વ), ભગવાન શ્રી ગણેશ પૃથ્વી તત્વ છે, તેમનું વાહન મૂષક (પૃથ્વી તત્વ) છે.
શિવલિંગની સામે હંમેશા નંદીદેવ બિરાજમાન રહે છે. ભગવાન શિવના દર્શન કરતા પહેલા નંદીદેવના બે શિંગડા વચ્ચેથી ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે. શિવ જ્યોતિર્મય હોવાથી તેમના સીધા દર્શન કરી શકાતા નથી. સીધા ભગવાન શિવના દર્શન કરવાથી ભગવાન શિવનું તેજ સહન ન કરી શકાય. નંદી દેવ એક આકાશ તત્વ છે, તેઓ શિવના તેજને સંપૂર્ણપણે સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ભગવાન શિવની સાથે નંદીદેવની પૂજાઃ શિવલિંગ પર જળાભિષેક કર્યા બાદ નંદીની પ્રતિમા પાસે એક દીવો પ્રગટાવો અને નંદીદેવની આરતી કરો. આરતી કર્યા બાદ કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર નંદીદેવના કાનમાં તમારી મનોકામના કહો. ત્યારબાદ કહો કે, નંદી મહારાજ અમારી મનોકામના પૂર્ણ કરો.