રસોઈ બનાવતી વખતે સૌથી જરૂરી વસ્તુ છે મીઠું. રસોઈમાં જો મીઠાનું પ્રમાણ બરાબર ન હોય તો તેનો સ્વાદ બગડી જાય છે. શરીર માટે મીઠું ખુબ જરૂરી અને ફાયદાકારક છે. આ ઉપરાંત અનેક બીમારીઓ પણ દુર થાય છે. મીઠાનો ઉપયોગ ફક્ત રસોઈ અને ખાવામાં જ નથી થતો પરંતુ ઘરની સાફસફાઈમાં પણ મીઠું એટલું જ કામ આવે છે. જી હા, ઘરના અલગ અલગ કામકાજમાં મીઠું વાપરી શકાય છે.
જેમકે કપડામાં ડાઘ પડી ગયા હોય તો તે દુર કરે છે. ઘણી વખત કપડામાં જિદ્દી ડાઘ પડી જતા હોય છે જેને ઘસીને સાફ કરવામાં આવે તો પણ નથી જતા અને કપડાની ચમક ઓછી થઇ જાય છે. ત્યારે મીઠાના જાડા પાણીમાં થોડી વાર માટે કપડા પલાળીને રાખવા. ત્યારબાદ તેને ધોવાથી ડાઘ સરળતાથી દુર થઇ જશે.
આ ઉપરાંત રસોડામાં કામ કરતી વખતે હાથમાંથી લસણ, ડુંગળી અથવા મસાલાની ગંધ આવવા લાગે છે જે હાથ ધોવા છતાં પણ જતી નથી. ત્યારે વિનેગરમાં થોડું મીઠું નાખી તેનાથી હાથ ધોવા.
જો દાજી ગયા હોય તો તેના પર મીઠું છાંટવાથી ફોડલી થતી નથી અને ઝડપથી ઠીક પણ થઇ જાય છે.
રસોડામાં તેલના જામેલા ડાઘ ગમે તેટલી મહેનત કરવા છતાં પણ જાતા નથી. ત્યારે ગરમ પાણીમાં મીઠું ભેળવી તેનાથી રસોડાની ટાઈલ્સ અને સિંક સાફ કરવાથી ડાઘ આસાનીથી દુર થઇ જશે.