લેબ્રાડોર અને પોમેરેનિયન એ ભારતીયોના મનપસંદ પાળતુ શ્વાન છે. જોકે લોકોમાં પક્ષીઓ અને બિલાડીઓ માટેનો પ્રેમ પણ વધી રહ્યો છે. તાજેતરના એક સર્વે પ્રમાણે પેટ એનિમલ્સ એટલે કે, પાળતુ પ્રાણીઓમાં ડોગ સૌથી વધારે સર્ચ થયું હતું અને પ્લેટફોર્મ પર તેની 66 ટકા માગણી જોવા મળી હતી. તેના પછીના ક્રમે પક્ષીઓ માટે 18 ટકા જ્યારે ત્રીજા ક્રમે બિલાડીઓ માટે 9 ટકા માગ જોવા મળી હતી. ઉપરાંત સસલાં માટે પણ 3.5 ટકા જેટલી માગ જોવા મળી હતી. દેશમાં હેમસ્ટર્સ (એક પ્રકારના ઉંદર)ની માગણીમાં પણ વધારો થઈ રહ્યો છે જે પેટ લવર્સમાં વ્યાપી રહેલા નવા ટ્રેન્ડનો સંકેત છે.
ભારતમાં પાળતુ પ્રાણીઓ માટેની માગમાં વાર્ષિક 13 ટકાનો વધારો નોંધાયો છે અને ટિઅર-1ની સરખામણીએ ટિઅર-2 શહેરોમાં માગનું પ્રમાણ થોડું વધારે જણાઈ રહ્યું છે. ટિઅર-1 શહેરોની સરખામણીએ ટિઅર-2 શહેરોમાં પેટ ડોગની માગ 50 ટકા ઉંચી હતી જ્યારે બિલાડી માટેની માગ 41 ટકા જેટલી વધારે હતી. જોકે પક્ષીઓ, સસલાં, હેમસ્ટર્સની માગમાં સમાનતા નોંધાઈ હતી.
ડોગ કેટેગરીમાં સૌથી વધુ સર્ચ લેબ્રાડોર માટે જોવા મળ્યું જે કુલ સર્ચનો 26 ટકા હિસ્સો ધરાવે છે. બીજું સૌથી વધુ સર્ચ પોમેરેનિયન માટે 21 ટકા, ત્રીજું સૌથી વધુ સર્ચ જર્મન શેફર્ડ માટે 19 ટકા જોવા મળ્યું. સાઇબેરિયન હસ્કી જેવી દુર્લભ પ્રજાતિની લોકપ્રિયતામાં વાર્ષિક ધોરણે 36 ટકાનો વધારો થયો હતો. સર્ચમાં ટોચના 3 શહેરોમાં દિલ્હી, હૈદરાબાદ અને બેંગાલુરૂનો સમાવેશ થાય છે જ્યાં પેટ ડોગ માટેની મહત્તમ માગ જોવા મળી. દિલ્હી અને બેંગાલુરૂમાં માગની સ્થિરતા જળવાઈ રહી જ્યારે હૈદરાબાદમાં વાર્ષિક ધોરણે 36 ટકાનો વધારો નોંધાયો. પેટ ડોગ માટેની મહત્તમ માગ ધરાવતા ટોપ-5 ટિઅર-2 શહેરોમાં લખનૌ, પટના, વિશાખાપટનમ, ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે.
સર્ચમાં પક્ષીપ્રેમીઓ આશરે 36 ટકાનો હિસ્સો ધરાવે છે અને પેટ બર્ડમાં પેરોટ (પોપટ) માટે 17 ટકા સર્ચ જોવા મળ્યું હતું. પોપટની વિવિધ જાતિઓમાં સૌથી વધુ માગ કોકટિઅલ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ અને મેકાઉ પેરોટની રહી. પેટ બર્ડ માટે ટોપ-3 ટિઅર-1 શહેરોમાં દિલ્હી, મુંબઈ અને બેંગાલુરૂમાંથી મહત્તમ માગ જોવા મળી. દિલ્હી અને મુંબઈએ સર્ચમાં લગભગ 50 ટકા પ્રદાન આપ્યું હતું. પેટ બર્ડ માટે ટિઅર-2 શહેરોમાંથી મહત્તમ માગ કોઇમ્બતૂર, જમ્મુ, લખનૌ, જયપુર અને પટનામાં જોવા મળી હતી.
પેટ કેટમાં સૌથી વધુ સર્ચ પર્સિયન કેટ માટે જોવા મળ્યું હતું, જેનો કુલ સર્ચમાં 90 ટકા હિસ્સો હતો. જોકે સાથે જ સાઇબેરિયન કેટ, બ્રિટિશ શોર્ટહેર કેટ, બર્મીઝ કેટ, એબીસ્સિનિયન કેટ અને બેંગાલ કેટ જેવી દુર્લભ જાતિઓ માટે પણ સર્ચ જોવા મળ્યું. જ્યારે પેટ તરીકે કેટ માટે ટિઅર-1 મહાનગરોમાં સૌથી વધુ માગ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં જોવા મળી અને ટિઅર-2 શહેરોમાં ટોપ-5 સર્ચ ધરાવતા શહેરોમાં શ્રીનગર, કોઇમ્બતૂર, ઇન્દોર, ભોપાલ અને નાસિકનો સમાવેશ થાય છે.
પ્લેટફોર્મ પર સૌથી વધુ સર્ચ થયેલા પાળતુ સસલાંમાં હોલેન્ડ લોપ રેબિટ, કેલિફોર્નિયન રેબિટ, નેધરલેન્ડ રેબિટ, ડ્વાર્ફ રેબિટ અને ફ્લેમિશ જાયન્ટ રેબિટનો સમાવેશ થાય છે. ટિઅર-1 શહેરોમાંથી મોટા ભાગની માગ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાંથી જનરેટ થઈ હતી. જ્યારે પેટ રેબિટ માટે સૌથી વધુ સર્ચ જનરેટ થયેલા ટોપ-5 શહેરોમાં લખનૌ, જયપુર, ચંદીગઢ, પટના અને ઇન્દોર છે.
પેટ તરીકે હેમ્સટર્સ માટેની સૌથી વધુ માગ દિલ્હીમાં જોવા મળી હતી જ્યારે આ દૃષ્ટિએ ટિઅર-1 શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને મુંબઈ અને ચેન્નાઈનો સમાવેશ થતો હતો. હેમ્સ્ટર્સ માટે સૌથી વધુ સર્ચ કરનાર ટોપ-5 ટિઅર-2 શહેરોમાં તિરૂવનંતપુરમ, થ્રિસ્સૂર, ગોવા, ગૌહાટી અને ઇન્દોર હતા. આ સમગ્ર ડેટા જસ્ટ ડાયલ કન્ઝ્યુમરના લેટેસ્ટ રિપોર્ટ પરથી તારવવામાં આવ્યો છે.