નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો છે. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.
કેવડિયા વિસ્તારમાં આજે સવારે 6 વાગ્યા સુધી બેઠ્ઠો વરસાદ વરસતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પડેલા વરસાદને લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઊઠી છે, જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે મિની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે.
કેવડિયા પંથકમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમે ધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
સરદાર સરોવરના CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે. હાલ પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવા નર્મદાની મુખ્ય કેનાલમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.