ઈઝરાયેલના નેગેવની બેન ગુરિયન યુનિવર્સિટીના રિસર્ચરોના કારનામાથી સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા છે. યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા માછલીઓની પાણીની બહાર નેવિગેશન સિસ્ટમ પર રિસર્ચ કરી રહ્યા હતા. અને આ માટે તેઓએ ગોલ્ડફિશ માછલી માટે સ્પેશિયલ કાર બનાવી હતી. આ કારને ફિશ ઓપરેટેડ વ્હીકલ નામ આપવામાં આવ્યું છે. રિસર્ચરો દ્વારા ગોલ્ડફિશને બાદમાં ગાડી ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને ચોંકાવનારી રીતે માછલીઓ પોતાના રસ્તામાં આવતાં અવરોધોને દૂર કરીને પોતાની મંઝિલ સુધી પહોંચી હતી.
ઈઝરાયેલના નેગેવ બેન યુનિવર્સિટીના રિસર્ચરોના આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો હતો કે શું માછલીઓની નેવિગેશન ક્ષણતા યુનિવર્સલ છે કે પછી તે ફક્ત પાણી સુધી જ મર્યાદિત છે. વૈજ્ઞાનિકોએ જાણવા માગતા હતા કે માછલીઓની પાણીની અંદર નેવિગેશન ક્ષમતા દરેક જગ્યાએ કામ કરે છે કે નહીં. બાયોમેડિકલ એન્જિનિયરો અને ન્યૂરોસાયન્ટિસ્ટની એક ટીમે આ તપાસ માટે ખાસ તકનીકનો ઉપયોગ કર્યો હતો. આ એટલા માટે કરવામાં આવ્યું કેમ કે માછલીઓ ફક્ત પાણીની અંદર જ શ્વાસ લઈ શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ મોટરથી ચાલતી પૈડાઓથી બનાવેલી એફઓવી ગાડીનો ઉપયોગ કર્યો હતો. જે એક કેમેરા, કમ્પ્યુટર અને લાઈટ ડિટેક્શનની ટેકનિકની મદદથી પાણીની ટેંકમાં માછલીની ગતિવિધિઓ પ્રમાણે દિશા બદલવામાં સક્ષમ હોય છે.
આ અભ્યાસને સફળ બનાવવા માટે રિસર્ચરોએ ગોલ્ડફિશમાં લાંબા સમય સુધી ટ્રેનિંગ આપી હતી. શરૂઆતમાં તેઓએ માછલીની ટેંકની અંદર મુવમેન્ટ કરવા માટે ખાવાની લાલચ આપી હતી. બાદમાં આ ટ્રેનિંગ માટે ધીમે ધીમે મુશ્કેલીઓનું સ્તર વધારવામાં આવ્યું હતું. રિસર્ચરોએ જણાવ્યું કે તમામ મુશ્કેલીઓને પાર કરી લક્ષ્ય સુધી પહોંચવામાં ગોલ્ડફિશ સક્ષમ હતી. આ દરમિયાન માછલીએ રસ્તામાં આવતા તમામ અવરોધોને પણ પાર કર્યાં હતા.