જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે ઇમોજી શબ્દથી સારી રીતે પરિચિત હશો. વોટ્સએપથી લઈને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સુધી, તમે મિત્રો સાથે વાતચીત કરવા માટે ઇમોજીસનો પણ ઉપયોગ કરશો. આ ઇમોજીસ અલગ અલગ પ્રકારના હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઇમોજીસનો ઉપયોગ ચેટિંગ સિવાય બીજા ઘણા કામમાં પણ કરી શકાય છે. તમને સાંભળવામાં વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. ખરેખર, ચીનમાં ઇમોજીસને પણ હવે કોર્ટમાં પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. આવો જાણીએ સમગ્ર મામલો વિસ્તારથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ચીનમાં 158 કેસ સામે આવ્યા છે, જેમાં ઇમોજીને કોર્ટમાં પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. જિયાંગસુ પ્રાંતની એક અદાલતે ઇમોજીસ અને સ્ટીકરો સાથે સંકળાયેલા કેસોની સંખ્યામાં 2018 માં 8 થી 2021 માં 61 નો વધારો નોંધાયો હતો.
એક રિપોર્ટ અનુસાર ચીનમાં યુવાનોમાં ઇમોજીસનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. યુવાનો તેનો ઉપયોગ વિવિધ પ્લેટફોર્મ પર કરી રહ્યા છે. તેની વધતી જતી લોકપ્રિયતા અને ઉચ્ચ ઉપયોગને કારણે, ચાઇનીઝ અદાલતોએ ચેટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સના ઉપયોગને કોર્ટમાં પુરાવા તરીકે માન્યતા આપી છે.
જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇમોજીની પ્રકૃતિ સબ્જેકટીવ છે અને કેટલીકવાર તેનો સાચો અર્થ સમજવો મુશ્કેલ હોય છે અને તેના ઘણા અર્થ થતા હોય છે. કેટલાક કિસ્સામાં ઇમોજીનો અર્થ સાવ ઉલટો થઇ જાય છે, પરંતુ આ બધા બાદ પણ ઇમોજીનો ઉપયોગ અને પુરાવાના રૂપમાં માન્યતા આપવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જિયાંગસુ કોર્ટે પણ આ અંગે કહ્યું છે કે, ઘણા પ્રાંતમાં ઇમોજીસનો ઉપયોગ સતત વધ્યો છે.