ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની વસતી સૌથી ઝડપથી વધી રહી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી આંકડાથી આ ખુલાસો થયો છે. 2016 બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોની વસતી 48% વધી છે. તાજેતરની વસતીગણતરી મુજબ 1 જૂન, 2021ની સ્થિતિએ ઓસ્ટ્રેલિયામાં વિદેશમાં જન્મેલા 6,73,352 લોકો રહેતા હતા, જે સંખ્યા 2016ના 4,55,389થી 47.86% વધુ છે. વિદેશમાં જન્મેલા આ લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે વધી છે. ભારત ચીન-ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયા-બ્રિટન બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે.
ઓસ્ટ્રેલિયાની લગભગ અડધી (48.6%) વસતી એવી છે કે જેમનાં માતા-પિતામાંથી કમસે કમ કોઇ એક વિદેશમાં જન્મ્યાં હતાં. 2017ની વસતીગણતરી બાદ દેશમાં 10,20,007 વસાહતીઓ આવીને વસ્યા છે. સૌથી વધુ વિદેશીઓ ભારતથી આવ્યા છે. તેમની સંખ્યામાં 2,17,963નો વધારો થયો છે. બીજી સૌથી વધારે વૃદ્ધિ નેપાળના લોકોની છે, જે બમણીથી પણ વધુ (123.7%) છે.
2016 બાદ નેપાળથી 67,752 લોકો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. પહેલીવાર અડધાથી પણ ઓછા ઓસ્ટ્રેલિયનોએ (44%) પોતાને ખ્રિસ્તી ગણાવ્યા છે. 50 વર્ષ પહેલાં આવા લોકોની સંખ્યા 90% હતી. જોકે, હજુ પણ ખ્રિસ્તી ધર્મ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ધર્મ છે. હિન્દુઓની વસતી 2.7% છે જ્યારે 39% લોકો એકેય ધર્મમાં નથી માનતા. આવા લોકો 9% વધ્યા છે.