અંજીર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ છે. દરેક ધર્મમાં તેના માટે અલાયદું સ્થાન છે. ભારતમાં હિંદુ-મુસ્લિમ અને ઈસાઈ સહિતના ધર્મોમાં અંજીરને ખૂબ જ સન્માનપૂર્વક જોવામાં આવે છે. અંજીરને ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તે હૃદય માટે તો લાભકારી છે. આ સાથે શરીરને યુવાન રાખવામાં પણ મદદ કરે છે. તેના ચમત્કારી ગુણના કારણે યુવાનોની તાકાત વધે છે.
અંજીરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સંશોધન મુજબ તેનો ઉદભવ મધ્ય પૂર્વ કેન્દ્રમાં થયો હતો અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તેનો વિકાસ થયો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ 11,000 વર્ષ પહેલાં આ વિસ્તારોમાં તે ઉગતું હતું. અંજીરને ખાસ સ્થાન મળવા લાગ્યું હતું. એક સમય તો એવો આવ્યો કે, પ્રાચીન યુનાનમાં આ ફળની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇ.સ.પૂ. 2000ની આસપાસ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ઉગવા લાગ્યું હતું. અંજીર 16મી સદીમાં અમેરિકામાં અને 17મી સદીમાં જાપાન પહોંચ્યું હતું. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં અંજીરનું વર્ણન નથી.
પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેનું મહત્વ જોવા મળે છે.અંજીર ગુલર જાતિનું ફળ છે. તે ઝાડ પર ફૂલ વગર જ ઊગી નીકળે છે. અંજીરને તાજા અને સૂકવીને એમ બંને રીતે ખાઈ શકાય છે. હવે તો અંજીર ઇરાન, મધ્ય એશિયા અને હવે ભૂમધ્ય સમુદ્રમાં ઉગાડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં તો તેનું બમ્પર ઉત્પાદન થાય છે. આ નાનકડા ફળમાંથી ગંધ આવતી નથી. તે આછો પીળો, ઘાટો સોનેરી અથવા ઘાટો જાંબલી રંગમાં મળે છે. તે કોઈ પણ કલરમાં હોય પણ તેના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી
અંજીર કેટલું મીઠું હશે તે વાત તેને ક્યાં ઉગાડવામાં આવ્યું છે અને કેટલું પાકેલું છે? તેના પર નિર્ભર હોય છે. અંજીરને આખેઆખું ખાઈ શકાય છે.
અલગ અલગ ધર્મોમાં છે વિશેષ મહત્વ
વિશ્વના મુખ્ય ધર્મોમાં અંજીરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય ઉપખંડના ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, બૌદ્ધ અને જૈન તેના વિશે જુદા જુદા અર્થઘટનો ધરાવે છે. ભગવાન વિષ્ણુનો ઉદ્ભવ અંજીરના વૃક્ષ નીચે થયો હોવાની હિંદુ પૌરાણિક કથા છે. અંજીરનું વૃક્ષ પ્રતીકાત્મક રીતે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સાથે જોડવામાં આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પવિત્ર અંજીર (સાયકામોર) વૃક્ષ ચેતનાની ઘણી શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે બધી એક જ શાશ્વત સ્ત્રોત સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું છે. બીજી તરફ બૌદ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે પવિત્ર અંજીરના વૃક્ષ નીચે બેસીને બોધિ (જ્ઞાન) પ્રાપ્ત કર્યું હતું. એ જ રીતે જૈન પરંપરાઓમાં તપસ્વીઓને ઘણીવાર પવિત્ર અંજીરના વૃક્ષો નીચે ધ્યાન કરતા વર્ણવવામાં આવ્યા છે
અંજીરને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અંજીરમાં કેળા કરતા વધુ ફાઇબર અને પોટેશિયમ હોય છે. પાકેલા અંજીરમાં માત્ર 22 ટકા સુગર હોય છે. તજજ્ઞોના મત મુજબ અંજીરમાં વિટામિન A અને B કોમ્પ્લેક્સ મળે છે. તેમાં પ્રોટીન મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. અંજીરને કબજિયાત અને પેટ સંબંધિત તકલીફો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેમાં રહેલું ફાયબર પાચન ક્રિયા સુધારે છે.