આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 13 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ સંજુ સેમસનને સપોર્ટ કરવા માટે દીપક હુડ્ડા મેદાન પર ઉતર્યા હતા. દીપક હુડા અને સંજુ સેમસને ટીમની ઇનિંગ્સને સંભાળી હતી અને જોરશોરથી બેટિંગ પણ કરી હતી. આ બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 176 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી સાથે હવે T20 ઈન્ટરનેશનલમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બંનેના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડના જોસ બટલર અને ડેવિડ મલાનની જોડીએ 167 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.
આ મેચમાં દીપક હુડ્ડાએ 57 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગમાં તેણે 182.45ના સ્ટ્રાઇક રેટથી રન બનાવતા 9 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. બીજી તરફ, સંજુ સેમસને 183.33ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 42 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા હતા.
દીપક હુડા અને સંજુ સેમસનની આ ભાગીદારીએ રોહિત શર્મા અને કેએલ રાહુલનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો. T20માં ભારત તરફથી કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ આ મેચ પહેલા આ બે ખેલાડીઓના નામે હતો, રોહિત-રાહુલે 2017માં શ્રીલંકા સામે 165 રન જોડ્યા હતા, પરંતુ આ રેકોર્ડ પણ હવે દીપક હુડા અને સંજુના નામે છે. સેમસને પોતાનું નામ બનાવ્યું છે.