ટીવી સીરિયલની દુનિયામાં કેટલાક લોકપ્રિય શો એવા છે જેના ઉપર દર્શકો સતત પ્રેમ વરસાવતા રહે છે. એવા પણ કેટલાક શો છે જે વર્ષોથી ટેલિવુડ ઈન્ડસ્ટ્રી ઉપર રાજ કરી રહ્યા છે. ટીવી સીરિયલોની દુનિયામાં આ સપ્તાહમાં કોઈ ખાસ ઉથલ-પાથલ નથી જોવા મળી. ટીવીના ટોપ 10 શોની યાદી બહાર આવી ચુકી છે. અને આ વખતે પણ યાદીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નો દબદબો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સુંબુલ તૌકીર ખાન અને ફહમાન ખાનની સીરિયલ ‘ઈમલી’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. આ વખતે ‘ઈમલી’ ટોપ 10 શોની યાદીમાં સ્થાન નથી મેળવી શકી . તે સાથે જ તેજસ્વી પ્રકાશનો શો ‘નાગિન 6’ પણ કોઈ ખાસ કમાલ નથી બતાવી શક્યો .
ઓરમેક્સ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં સબ ટીવીનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ દરેક વખતની જેમ પ્રથમ સ્થાન ઉપર પોતાનો હક જમાવી દીધો છે. બીજા અને ત્રીજા નંબર ઉપર ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છે. આ બન્ને શો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ચોથી અને પાંચમી પોઝિશન ઉપર ‘કુંડલી ભાગ્ય’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા શો છે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર સ્ટાર પ્લસનો ‘શો ગુમ હૈ કિસી કે પ્યાર મે’નું સ્થાન છે. આયશા સિંહ અને નીલ ભટ્ટ સ્ટારર આ શોમાં તાજેતરમાં ધમાકેદાર ટ્વિસ્ટ આવ્યો છે જેના કારણે તે દરેક જગ્યાએ છવાયેલો છે. સાતમા અને આઠમાં નંબરે અનુક્રમે ‘યે હૈ ચાહતે’ અને ‘પંડ્યા સ્ટોર્સ’ છે. છેલ્લા બે સ્પોટ ઉપર ‘ઉડારિયા’ અને ‘નાગિન 6ને’ સ્થાન મળ્યું છે.
આ વખતે ‘ઈમલી’ અને ‘નાગિન 6’ની સ્થિતિ ખરાબ છે. બંને શોમાં ધડ-માથા વગરનાં ટ્વિસ્ટ બતાવવામાં આવી રહ્યા છે. જેના કારણે દર્શકોનો રસ ઉડી ગયો છે. જો આવનારા દિવસોમાં આ શોના મેકર્સ ટ્વિસ્ટના નામે માત્ર ખણખોદ કરવાના પ્રયાસો કરશે તો BARCના રેટિંગમાં પણ આ શોની હાલત ખરાબ થવાની છે