ઈંગ્લેન્ડ ટીમ માટે આજનો દિવસ હંમેશાં માટે યાદ રહેશે. ઈંગ્લેન્ડની સફેદ બોલ ક્રિકેટ ટીમના કેપ્ટન ઓએન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષીય મોર્ગનની ક્રિકેટ કારકિર્દી 16 વર્ષની છે. મોર્ગને આ નિર્ણય ટીમ ઈન્ડિયા સામેની સીરિઝ પહેલા લીધો છે. વાસ્તવમાં ભારતીય ટીમ હાલના દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની કપ્તાનીમાં એક ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમવાની છે. જ્યારે ટી20 સીરિઝ 7 જુલાઈથી શરૂ થશે.
મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો
હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મોર્ગન મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ વાત સાચી પડી છે. મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી સફળ વનડે કેપ્ટન રહ્યો છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડકપ (2019)નો ખિતાબ જીતાડ્યો છે. મોર્ગને 126 વનડેમાં ઈંગ્લિશ ટીમની કેપ્ટનશિપ કરી હતી, જેમાં ટીમ 76 જીતી હતી.
મોર્ગને તેની કારકિર્દીમાં કુલ 248 વનડે રમી, જેમાં તેણે 14 સદીની મદદથી 7701 રન બનાવ્યા. મોર્ગનને ટેસ્ટમાં વધારે તક મળી ન હતી. તેણે 16 ટેસ્ટ રમી જેમાં 2 સદીની મદદથી 700 રન બનાવ્યા.
મોર્ગને 72 ટી20 મેચોમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી
મોર્ગને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 72 મેચોમાં ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી 42 મેચ જીતી હતી. મોર્ગને કારકિર્દીમાં કુલ 115 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાંથી તેણે 14 અર્ધસદી સાથે 2458 રન બનાવ્યા. આ દરમિયાન મોર્ગનનો સ્ટ્રાઈક રેટ 136.18 હતો.
આયર્લેન્ડની ટીમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
મોર્ગનનો જન્મ આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં થયો હતો. તેણે આયર્લેન્ડ તરફથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. તેણે ડેબ્યૂ મેચ 5 ઓગસ્ટ 2006ના રોજ સ્કોટલેન્ડ સામે વનડે રમી હતી. જેમાં મોર્ગને 99 રનની ઇનિંગ રમી હતી.