લેબર ફોર્સમાં રહેલા લોકોનો બેરોજગારી દર જુલાઈ, 2020 થી જૂન 2021 દરમિયાન ઘટીને 4.2 ટકા થઈ ગયો છે, જે 2019-20ના સમાન ગાળામાં 4.8 ટકા હતો. બુધવારે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે2018-19માં બેરોજગારીનો દર 5.8 ટકા હતો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા નિયત સમયગાળા પર હાથ ધરવામાં આવેલા લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અનુસાર, 2018-19માં બેરોજગારીનો દર 5.8 ટકા અને 2017-18માં 6.1 ટકા હતો. પીએલએફએસના વાર્ષિક અહેવાલ (જુલાઈ, 2020 થી જૂન, 2021) જણાવે છે કે 2020-21 માં બેરોજગારી દર (યુઆર) 4.2 ટકા હતો. જે 2019-20માં 4.8 ટકા હતો.
કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓની ટકાવારીને બેરોજગારી દર (યુઆર) કહેવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે 2020-21 (જુલાઈથી જૂન) માં છેલ્લા ચાર વર્ષ દરમિયાન બેરોજગારીનો દર ઘટ્યો છે. જો કે તેની ગતિ ધીમી રહી છે. આવી જ રીતે પુરુષોમાં પણ યુઆર રેટ 2019-20માં 5.1 ટકા, 2018-19માં છ ટકા અને 2017-18માં 6.2 ટકાથી ઘટીને 2020-21માં 4.5 ટકા થયો હતો. મહિલાઓ માટેના યુઆર દરમાં પણ સમાન વલણ જોવા મળ્યું છે. 2020-21 દરમિયાન મહિલાઓ માટે યુઆર રેટ ઘટીને 3.5 ટકા થઈ ગયો છે. જે 2019-29માં 4.2 ટકા, 2018-19માં 5.2 ટકા અને 2017-18માં 5.7 ટકા હતો.
કામદાર વસ્તી ગુણોત્તર (ડબલ્યુપીઆર)માં પણ સુધારો થયો છે. તે વસ્તીમાં કામ કરતા લોકોની ટકાવારી બતાવે છે. રિપોર્ટ અનુસાર ડબલ્યુપીઆર 2019-20માં 38.2 ટકા, 2018-19માં 35.3 ટકા અને 2017-18માં 34.7 ટકાથી વધીને 2020-21માં 39.8 ટકા થયો છે. પ્રથમ તબક્કાના કુલ 12,562 એકમોને ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે જુલાઈ, 2020 થી જૂન, 2021 ના વાર્ષિક અહેવાલમાં આવરી લેવામાં આવ્યા છે. તેમાં 6,930 ગામો અને 5,632 શહેરી બ્લોક્સનો સમાવેશ થાય છે.