પયગંબર વિરુદ્ધ ટીપ્પણી કરવામામલે ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી અપાઈ છે. જેને લઈને ગુજરાત ઍલર્ટ મોડમાં આવી ગઈ છે.
પોલીસ દ્વારા ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થશે. ત્યારે જો કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તો સ્થળ પર પોલીસ તાત્કાલિક સંપર્ક કરવા અંગે અલર્ટ થશે. સામાન્ય કોન્સ્ટેબલ અને IPS અધિકારી તેમ દરેક માટે એક સ્થળ ફાળવવામાં આવશે. જેથી જગ્યાની મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે.
ત્યારે આગામી 1 જુલાઈએ અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જગન્નાથ રથયાત્રામાં પ્રથમ વખત 6 ડ્રોનની સાથે પેરાજમ્પર સાથેનું એરિયલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સેન્ટ્રલ આઈબી તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ પણ રથયાત્રાના રૂટ પરની વોચ રાખવા જણાવ્યું છે.
સૂત્રો અનુસાર, અમદાવાદમાં રથયાત્રાની તૈયારીમાં પોલીસ ફોર્સ રિહસર્લ કરી રહી છે. ત્યારે આતંકવાદી સંગઠન અલકાયદાએ આપેલ ધમકીને પગલે અમદાવાદમાં એલર્ટ છે. આ સાથે પોલીસ દ્વારા હીસ્ટ્રીશીટરોની મુવમેન્ટ ઉપર નજર રખાઈ રહી છે. આ રથયાત્રામાં 1 હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખત અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ કરાશે.