હિંદુસ્તાન મોટર્સની એમ્બેસેડર કાર, જે ભારતીય માર્ગો પર સ્ટેટસ અને ગૌરવ સાથે આજે પણ દોડી રહી છે, તેણે 58 વર્ષ માર્કેટ પર રાજ કર્યું છે. હિન્દુસ્તાન મોટર્સ કંપની દ્વારા તેને 1957માં લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે તે 2014માં બંધ થઈ ગઈ હતી. શું તમે જાણો છો કે તેની શરૂઆતની કિંમત શું હતી અને બંધ થતા પહેલા તેનો દર શું હતો.
હિન્દુસ્તાન મોટર્સે તેના ઉત્તરપારા પ્લાન્ટમાં એમ્બેસેડરનું ઉત્પાદન શરુ કર્યું હતું. ભારતમાં આ પહેલો કાર પ્લાન્ટ હતો, જ્યારે એશિયામાં કાર બનાવવાની બીજી ફેક્ટરી હતી. આ પહેલા જાપાનમાં આખા એશિયામાં કાર બનાવવાની એક જ ફેક્ટરી હતી, જે ટોયોટા કંપનીએ ખોલી હતી. જ્યારે કંપનીએ આ કારને 1957માં લોન્ચ કરી ત્યારે તેની કિંમત માત્ર 14,000 રૂપિયા હતી. જોકે તે સમયે આ રકમ પણ ઘણી મોટી હતી. મોંઘવારીની ગણતરી કરીએ તો આજે આટલા રૂપિયાની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે.
એમ્બેસેડર કારને ભારતની પ્રથમ કાર હોવાનું ગૌરવ છે. બિરલા ગ્રૂપના બીએમ બિરલાએ 1942માં હિન્દુસ્તાન મોટર્સની સ્થાપના કરી અને પછી 1948માં કંપનીના પ્લાન્ટને બંગાળના ઉત્તરપારા ખાતે ખસેડ્યો. 1957 માં, એમ્બેસેડર કાર જેણે 58 વર્ષ સુધી ભારતના રસ્તાઓ પર શાસન કર્યું તે આ પ્લાન્ટમાંથી પ્રથમ વખત બહાર આવ્યું. ભારતમાં આ કાર રાજનેતાઓથી લઈને અધિકારીઓમાં એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે સામાન્ય લોકોમાં તેને ‘લાલ બત્તી કાર’ કહેતા. આટલું જ નહીં, ભારતમાં બનાવવામાં આવનાર તમામ એમ્બેસેડરમાંથી લગભગ 16 ટકા સરકાર પોતે જ ખરીદતી હતી.
વધતી જતી સ્પર્ધા અને માઈલેજની રમતને કારણે હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર માર્કેટમાં ટકી શકી નથી. 2014 માં, કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું. એક સમયે કિંગ ઓફ ઈન્ડિયન રોડ્સ કહેવાતી આ કારે રસ્તા પરથી ગાયબ થઈ ગઈ.. પરંતુ શું તમે જાણો છો કે બંધ થતા પહેલા આ કારની કિંમત કેટલી હતી. તો તમને જણાવી દઈએ કે 2014માં એમ્બેસેડર કારની કિંમત 5.22 લાખ રૂપિયા હતી. 1957 અને 2014 ની વચ્ચે, કંપનીએ તેની કુલ 7 જનરેશન માર્કેટમાં લોન્ચ કરી.
બદલાતા સમય સાથે એમ્બેસેડર પણ બદલાવાની છે. અહેવાલ છે કે આ વખતે એમ્બેસેડર ઇલેક્ટ્રિક અવતારમાં પરત ફરશે, પરંતુ તે પહેલાં કંપની ઇલેક્ટ્રિક 2-વ્હીલર બનાવવાનું શરૂ કરશે. હિન્દુસ્તાન મોટર્સના ડિરેક્ટર ઉત્તમ બોઝનું કહેવું છે કે નવી ‘એમ્બી’ની ડિઝાઈન, નવા લુક અને એન્જિન માટે કામ ચાલી રહ્યું છે. તે પહેલેથી જ એડવાન્સ સ્ટેજમાં છે. હિન્દુસ્તાન મોટર્સે આ માટે યુરોપિયન ઓટોમોબાઈલ કંપની સાથે એમઓયુ પર સાઇન કરી છે.