કેરળના થ્રિસુરમાં ગુરુવાયુર મંદિરને દાનમાં આવેલ મહિન્દ્રા થાર એસયુવી કારની હરાજીમાં કરવામાં આવી હતી. જે અધધ રૂ. 43 લાખમાં વેચાઈ હતી. દુબઈના એક બિઝનેસમેને સૌથી વધુ બોલી લગાવીને મહિન્દ્રા થાર જીપની હરાજી જીતી હતી. 14 લોકોએ આ SUVની રિ-ઓક્શનમાં ભાગ લીધો હતો અને ઘણા રાઉન્ડ બાદ આખરે દુબઈ સ્થિત બિઝનેસમેન વિગ્નેશ વિજયકુમારે ખરીદી હતી. તેમના પિતા વિજયકુમાર તેમનું પ્રતિનિધિત્વ કરતા હતા.
જોકે, થારની હરાજી માટે નવા માલિકે 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. નવેમ્બર 2021 માં, મહિન્દ્રા ગ્રૂપે આ પ્રખ્યાત મંદિરને થાર SUV ભેટમાં આપી અને ડિસેમ્બરમાં, તેને રૂ. 15 લાખની મૂળ કિંમતે હરાજી માટે મૂકવામાં આવી અને માત્ર એક ખરીદનાર આવ્યો હતો. અન્ય કોઈ ખરીદદાર મેદાનમાં ન હોવાથી, તેણે SUV માટે હરાજી જીતી. પરંતુ આ હરાજી પ્રક્રિયા અંગેના પ્રશ્નો અને વિરોધને જોતા મંદિર બોર્ડે હરાજી રદ કરવાનો નિર્ણય લીધો હતો.
જો કે, તેના એકમાત્ર ખરીદદારે કાનૂની આશરો લેવાની ધમકી આપી હતી.સોમવારે હરાજી જીતનાર વિજયકુમારે મીડિયાને જણાવ્યું કે દુબઈમાં રહેલો તેમનો પુત્ર ઈચ્છે છે કે તેને ખરીદવી છે કારણ કે તે ભગવાન ગુરુવાયુરપ્પનનું વાહન હતું. વિજયકુમારે કહ્યું, “મારા પુત્રએ મને કોઈપણ ભોગે થાર મેળવવા કહ્યું હતું.”જે એસયુવીની હરાજી કરવામાં આવી છે તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની નવી ફોર-વ્હીલ ડ્રાઇવ થાર છે. તે ઓટોમોબાઈલ માર્કેટમાં સૌથી વધુ વેચાતી એસયુવી છે. આ કાર લિમિટેડ એડિશન મોડલ છે. તેમાં 2200 સીસીનું ડીઝલ એન્જિન છે અને તેનો રંગ લાલ છે. આ કારની કિંમત 13 લાખથી 18 લાખ રૂપિયાની વચ્ચે છે.