ફેમસ સોંગ નહીં ગાઈ શકે કિંજલ
અમદાવાદ: જાણીતી ગાયિકા કિંજલ દવે ફરી એક વાર ચર્ચામાં આવી છે. ‘ચાર બંગડીવાળી ગાડી’ના ગીતથી ફેમસ બનેલી કિંજલને અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કોઈપણ કોમર્શિયલ પ્રોગ્રામમાં 22 જાન્યુઆરી સુધી આ સોંગ ન ગાવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, આ સોંગને યુટ્યૂબ તેમજ સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા પણ કોર્ટે કહ્યું છે.
સોંગનો મૂળ સર્જક કાઠિયાવાડી કિંગ
કિંજલ દવે પર આક્ષેપ છે કે તેણે આ ગીતની નકલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક ગુજરાતી કલાકારે દાવો કર્યો છે કે, આ સોંગ તેણે લખ્યું તેમજ ગાયું છે. જોકે, કિંજલ દવેએ તેમાં થોડા ફેરફાર કરી આ સોંગને પોતાના નામે ચઢાવી દીધું છે.
કિંજલે સોંગ પોતાના નામે ચઢાવી દીધું
દરેક કાર્યક્રમમાં કિંજલ દવે આ સોંગ અચૂક ગાતી હોય છે. એટલું જ નહીં, લગ્ન-પ્રસંગોમાં પણ ડીજેવાળા આ સોંગ વગાડતા હોય છે. જોકે, ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી કલાકારના દાવા અનુસાર, તેણે આ સોંગ બનાવીને 2016માં તેને યુટ્યૂબ પર અપલોડ કર્યું હતું.
મૂળ સર્જકને કોઈ ક્રેડિટ ન મળી
કિંજલ દવેએ આ સોંગમાં નજીવા ફેરફાર કરીને તેને પોતાના નામે ચઢાવી દીધું હતું. આ સોગને કારણે જ કિંજલ દવે રાતોરાત વિખ્યાત બની ગઈ હતી. ગીતના મૂળ સર્જકનો દાવો છે કે, આ ગીતે કિંજલ દવેને ખૂબ જ લોકચાહના અપાવી છે, પરંતુ તેને તેના માટે કોઈ ક્રેડિટ મળી જ નથી.
22 જાન્યુઆરી પછી આવશે ફાઈનલ ઓર્ડર
કોર્ટના આદેશ અનુસાર, કિંજલ દવે પર આ સોંગ ગાવા પર 22 જાન્યુઆરી સુધી વચગાળાનો પ્રતિબંધ ફરમાવાયો છે. કોર્ટ પોતાના અંતિમ નિર્ણયમાં નક્કી કરશે કે આ સોંગ કિંજલ ભવિષ્યમાં ગાઈ શકશે કે નહીં. કોપી રાઈટના ભંગમાં કોઈ કલાકારને ચોક્કસ ગીત ન ગાવાનો કોર્ટે ઓર્ડર આપ્યો હોય તેવો આ પહેલો કિસ્સો છે.
ચારબંગડીવાળી ગાડી પણ વિવાદમાં આવેલી
ચાર બંગડીવાળી ગાડીનું સોંગ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે, આ સોંગમાં જે ગાડી બતાવાઈ છે, તેનો ઉપયોગ એક ગુનાઈત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો હતો, અને પોલીસે ગાડીને જપ્ત પણ કરી હતી.
દેશવિદેશમાં પ્રોગ્રામ આપે છે કિંજલ
આ સોંગને કારણે જ ગુજરાતમાં જ નહીં, પરંતુ બહાર પણ પ્રખ્યાત થઈ ચૂકેલી કિંજલ દવે હવે વિદેશોમાં પણ કાર્યક્રમ આપવા લાગી છે. અમેરિકા તેમજ યુરોપમાં પણ કિંજલે કાર્યક્રમ આપ્યા છે. જોકે, નવરાત્રી દરમિયાન અમદાવાદમાં તેના કાર્યક્રમમાં બબાલ પણ થઈ હતી. ત્યારબાદ આબુમાં પણ કિંજલના એક કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી.