શિયાળાની આ મોસમ માં સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ચાપડી ઉંધિયું ખાવા માટે જીભ લબલબ ના થાય તેવું બને જ નહીં. અને આમાંય રાજકોટવાસીઓની તો ચાપડી ઊંધિયા વગર શિયાળાની મજા જ જાણે અધૂરી… તો આજે અમે તમારા માટે ખાસ ચાપડી ઊંધિયું ઘરે જ એકદમ મસાલેદાર કંઇ રીતે બનાવી શકાય તેની રેસિપી લઇને આવ્યા છીએ.
સામગ્રી:- ચાપડી માટે:
૧/૨ કપ ભાખરીનો લોટ
૧ ટેબલસ્પૂન તલ
૧ ટીસ્પૂન જીરૂં
૩/૪ કપ તેલ મોણ માટે
મીઠું સ્વાદાનુસાર
તેલ તળવા માટે
ઉંધિયા માટે:
- ૨ મીડિયમ સાઇઝના રીંગણ
- ૨ મીડિયમ સાઇઝના બટાટા
- ૧ કપ કોબી સમારેલી
- ૧ કપ લીલા વટાણા
- ૪ મધ્યમ કદના ટામેટાં
- ૪ નંગ ડુંગળી સમારેલી
- ૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
- ૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર
- ૧ ચપટી હિંગ
- ૧ ટેબલસ્પૂન ધાણા પાવડર
- ૧ ટેબલસ્પૂન જીરૂં પાવડર
- ૧ ટીસ્પૂન હળદર
- ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
- ૪ ટેબલસ્પૂન તેલ
- ૧/૨ કપ કોથમીર સમારેલી
- મીઠું સ્વાદાનુસાર
ચાપડી બનાવાની રીત:
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચાપડી માટેની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કઠણ ભાખરી માટેની કણક તૈયાર કરો. હવે તેને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો.
હવે તેમાંથી નાના-નાના લુઆ કરીને જાડી ભાખરી વણી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં આ ચાપડીને ધીમા તાપે કડક થાય એમ તળો.
ધ્યાન રાખજો આ બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગની થવી જોઈએ.
ઉંધિયું બનાવાની રીત:
ઉંધિયા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ, હળદર અને હિંગ ઉમેરીને સાંતળો.
થોડીક સેકન્ડ સાંતળ્યા બાદ ટામેટાં સિવાયના બધા જ શાક અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો. 10 થી 15 મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે ટામેટાં ઉમેરો. પાંચ મિનિટ ચઢવા દો.
હવે તેમાં ધાણાજીરૂં, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરો.
બે કપ પાણી ઉમેરીને ફરીથી ચઢવા દો. બધા જ શાકભાજી બરાબર ચઢી જાય અને રસાની ઉપર તેલ તરવા લાગે ત્યાં સુધી ચઢવા દો.
છેલ્લે ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરી લો.
હવે તૈયાર ગરમા-ગરમ ઉંધિયાંને ચાપડી અને છાશ સાથે પીરસો કરો.