ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુએ ડિસેમ્બર 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. હરનાઝ 21 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા જીતનારી ત્રીજી ભારતીય મહિલા બની છે. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સ્પર્ધકને ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં એક વર્ષ રહેવા માટે આપવામાં આવે છે.
હરનાઝ 4 જાન્યુઆરીએ તેના નવા ઘરે પહોંચી છે, પણ કોરોના ગાઈડલાઈન્સને કારણે તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, હરનાઝ આ આલીશાન ઘરમાં એકલી રહેવાની નથી. તેણે મિસ યુએસએ સાથે આ એપાર્ટમેન્ટ શેર કરવાનો છે.
મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સનું મેકઓવર કરવામાં આવ્યું છે. આ પછી વર્ષ 2020માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર મેક્સિકોની એન્ડ્રીયા મેઝા અને મિસ યુએસએ અસ્યા બ્રાન્ચ અહીં રહેતી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, કરિયાણાથી લઈને કપડાં સુધી, આખા એપાર્ટમેન્ટની દરેક વસ્તુ હરનાઝ માટે સંપૂર્ણપણે મફત છે.
તેનું સંપૂર્ણ સંચાલન મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. હરનાઝે તેમના નવા ઘર મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સમાં પ્રવેશનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
2020ની મિસ યુનિવર્સ એન્ડ્રીયાએ તેના અનુગામી હરનાઝ માટે એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, “નવી મિસ યુનિવર્સ માટે સિસ્ટરહુડ અને તમારા નવા ઘરમાં સ્વાગત છે. મને હજી પણ એપાર્ટમેન્ટમાં મારો પહેલો દિવસ યાદ છે, હું આ ઉન્મત્ત અને સુંદર શહેરમાં નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.
હું જાણું છું કે, તમારા પ્રિયજનોથી દૂર રહેવું મુશ્કેલ છે, પણ ધ્યાનમાં રાખો કે તમે એકલા નથી. મિસ યુનિવર્સ સંસ્થા તરીકે તમારી પાસે અદભૂત સપોર્ટ સિસ્ટમ છે. જો તમને ક્યારેય કોઈની સાથે વાત કરવા, મિત્રની અથવા સલાહની જરૂર હોય તો હું હંમેશા અહીં રહીશ. પ્રેમ સાથે, એન્ડ્રીયા.”
મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સનું મેકઓવર એક વર્ષ પહેલા થયું છે. આ એપાર્ટમેન્ટની બારીમાંથી ન્યૂયોર્કની ગગનચુંબી ઈમારતો પણ સ્પષ્ટ દેખાય છે. તેને ઈન્ટિરિયર ડિઝાઈનર વિવિયન ટોરેસ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
તેને ન્યૂડ અને કૂલ કલર પેલેટથી શણગારવામાં આવ્યું છે. દિવાલ પર ઓફ-વ્હાઇટ દિવાલો, વાદળી વેલ્વેટ સોફા, કલાત્મક રંગીન ચિત્રો છે. જેમાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ વિજેતાઓના ફોટાઓ સાથેની ખાસ દિવાલનો સમાવેશ થાય છે.
તેના નવા ઘરમાં ગયા પછી જ હરનાઝે આસ્ક મી એનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેના ચાહકોએ તેને તેની મનપસંદ વસ્તુઓ વિશે પૂછ્યું. આમાં હરનાઝે જણાવ્યું હતું કે, તેની ફેવરિટ ભારતીય વાનગી રાજમા ચાવલ છે. અગર તુમ સાથ હો મારું પ્રિય ગીત છે અને સ્માઈલ ટ્રેન તેમના હૃદયની નજીકનું અભિયાન છે.
આ માટે તે ભવિષ્યમાં પણ કામ કરતી રહેશે. આ સિવાય હરનાઝે તેના નવા ઘરની બારીમાંથી ન્યૂયોર્કમાં બરફવર્ષાનું દ્રશ્ય પણ શેર કર્યું છે. હરનાઝ સંધુને મિસ યુનિવર્સનો ખિતાબ જીતવા બદલ 2,50,000 ડોલર એટલે કે 1.89 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે.