સર્વાનુમતે ચુકાદો એકદમ સ્પષ્ટ છે, દીવાની જેમ. ‘કેદારનાથ’ ફ્લૉપ છે, સારા અલી ખાન હિટ છે, ટાઇગર મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરની પૌત્રી પર આવતી કાલની સુપર સ્ટારનું લેબલ લાગી ગયું.
મોટાભાગના, બધાએ એકી અવાજે અભિષેક કપૂર ઉર્ફે ગટ્ટુની ‘કેદારનાથ’ ને વખોડી કાઢી છે. આ જ માણસે ‘રૉક ઑન’ બનાવી હતી. છેલ્લા પંદર મિનિટની સ્પેશ્યલ ઇફેક્ટ અને સારાની તાજગીભરી હાજરી સિવાય ફિલ્મમાં ક્યાંય કંઇ ભલીવાર નથી.
દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાના લગ્ન થઇ ગયા. કેટરીના કૈફ તાજગી ગુમાવી રહી છે. આવા સમયે એક યંગ સ્ટાર હિરોઇનની તાતી જરૂર હતી, ત્યારે જ સારાનું આગમન થયું છે. એની પાસે ઉંમર છે, યૌવન છે, તાજગી છે, શર્મિલાનો વારસો છે, સૈફ-અમૃતાના માર્ગદર્શન છે. જરૂર પડે તો નવી મમ્મી કરીના કપૂર પણ ખરી જ.
શર્મિલા ટાગોર પોતાના સમયની ખૂબ સફળ અને કાબેલ એક્ટ્રેસ. દીકરા સૈફના પદાર્પણ વખતે એ શાંત હતી પણ પૌત્રી સારાના ડેબ્યુ સમયે એકદમ એક્સાઇટેડ હતી. શબ્દો ચોર્યા વગર દાદીએ સારાના વખાણ કર્યા:‘એનો આત્મવિશ્ર્વાસ મને ખૂબ ગમે છે. તેણે પોતાની જાતને જે રીતે ઉભારી-નિખારી છે એ જોઇને હું ખુશ છું. અરે! કૉફી વિથ કરણમાં પોતાના પિતા સૈફ સાથે એ જે વિશ્ર્વાસથી ઊભી રહી એ જોઇને હું ગર્વ અનુભવું છું.
એક સફળ સ્ટાર અને હજી ઇન ડિમાન્ડ કરીના કપૂરે પણ સ્પષ્ટ શબ્દોમાં ‘કેદાર નાથ’ ની રિલીઝ પહેલા જાહેરાત કરી હતી કે સારા જન્મજાત સ્ટાર છે. કરિના તો એટલી ખુશ થઇ ગઇ છે કે સારાના અભિનયથી કે ભવ્ય પાર્ટી આપીને એની ઉજવણી કરવા માગે છે.
આ તો થઇ ફેમિલીની વાત. સ્વાભાવિક છે કે બધા ખુશ હોય ને વખાણ કરે જ. સુપર ડુપર ડિરેક્ટર રોહિત શેટ્ટીની નિકટના ભવિષ્યમાં રજૂ થનારી ફિલ્મ ‘સિંબા’. સ્વાભાવિક છે કે રોહિત શેટ્ટીની ફિલ્મ છે અને હીરો રણવીર સિંહ છે એટલે જોરદાર ઍક્શન હશે જ. સાથે અજય દેવગન લાંબા ગેસ્ટ એપિયરન્સમાં એટલે સારા અલી ખાનને ફાળે કેટલું ફૂટેજ આવશે એ તો ફિલ્મ જોવા બાદ જ ખબર પડે. પણ હા, આ ફિલ્મને ધારણા મુજબની બૉક્સ ઑફિસ, સફળતા મળી તો સારાને રાતોરાત ટૉચની સ્ટાર બનતા કોઇ રોકી નહીં શકે.
કલ્પના કરી જુઓ કે આવી ટેલેન્ટેડ છોકરીને ડેબ્યુ માટે વ્યવસ્થિત ફિલ્મ મળી ગઇ હોત તો? પણ જે થયું એ સારા માટે. ઝડપથી, એક ઝાટકે મળી જાય એના કરતા ધીરે-ધીરે મળે એ સારા માટે સારું જ છે.
અત્યારે આલિયા ભટ્ટ અને જાહન્વી કપૂર મેદાનમાં છે. એમાં સારાએ આવકાર્ય ઉમેરો કર્યો છે. બીજા ઘણાં સ્ટાર કિડ્સ ઝડપભેર આવી રહ્યાં છે. આ લોકોનો લાઉડ ઍન્ડ ક્લીયર મેસેજ એટલો જ છે કે હટ જાઓ પુરાને બાઝિગર, અબ મૈદાન બદલનેવાલા હૈ.
સારાના પપ્પા સૈફઅલી ખાનની પહેલી ફિલ્મ ફ્લૉપ હતી, તો મમ્મી અમૃતા સિંહની હિટ. સારાએ આ બન્નેની વચ્ચે શરૂઆત કરી છે. એ વધુ નેચરલ એક્ટ્રેસ લાગે છે એટલે લાંબું ભવિષ્ય હોઇ શકે બૉલીવૂડમાં.