કોરોનાની મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધરાવતા ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનની સુનાવણીમાં સરકારે રજૂ કરેલા સોગંધનામામાં આ માહિતી આપી છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલમાં પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે.
આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટએ નવેસરથી જાહેરહિતની અરજી નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ ધરી છે.
હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરાયો છે.