ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર હાલ સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા.
હાઈકોર્ટે સરકાર પાસે કોરોનાને લઈ વકરતી સ્થિતિ અંગે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઈકોર્ટમાં 61 પાનાનું સોગંદનામુ રજુ કરાયુ હતુ. જેમાં સરકાર દ્વારા દાવો કરાયો છે કે મહામારીમાં સરકાર કટિબદ્ધ છે અને એફિડેવિટ પરથી જાણી શકાય છે કે સરકારનો લોકડાઉન કે કર્ફ્યૂને લઈને હાલ કોઈ જ વિચાર નથી. ગુજરાત સરકાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલો રજૂ કરી હતી.
જેમાં તેમણે હાલ રાજ્યમાં કોરોનાની લહેર નહીં સુનામી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ઈન્જેક્શન અંગે સરકારે જણાવ્યું હતું કે, કાળાબજારી પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઓક્સીજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી પણ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે, ઓક્સીજનનું ઉત્પાદન 900 મેટ્રીક ટનથી વધારીને 1100 મેટ્રીક ટન કરવામાં આવ્યુ છે.