દેશમાં સતત વધતાં કોરોનાના નવા કેસોને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે તમામ એરલાઈન્સને બે કલાકથી ઓછા સમયની સ્થાનિક ફ્લાઈટ્સ દરમિયાન મુસાફરોને ભોજન નહીં આપવા આદેશ કર્યો છે. જોકે આંતરરાષ્ટ્રી ફ્લાઈટ્સ પર આવા કોઈ નિયંત્રણો મુકાયા નથી. બે કલાકથી ઓછા સમયના સ્થાનિક વિમાની પ્રવાસ દરમિયાન મુસાફરોને ચાલુ ફ્લાઈટ દરમિયાન ભોજનનું વેચાણ પણ નહીં કરવા સરકારે એરલાઈન્સને જણાવ્યું છે.
વિમાની યાત્રા દરમિયાન ભોજન લેતી વખતે મુસાફરો દ્વારા માસ્ક હટાવી દેવાના કારણે વાયરસ ફેલાવાનું જોખમ રહેલું હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે મધ્યમ કે લાંબા અંતરની વિમાની મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ભોજન લેવાથી અટકાવી શકાય તેમ નહીં હોવાથી સરકારે બે કલાક સુધીના અંતર ધરાવતી સ્થાનિક મુસાફરી પર આ નિયંત્રણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે માહિતી આપતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ અમે વિમાનમાં ભોજન અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી, જેના અમને સારા પરિણામો જોવા મળ્યાં હતાં.જેથી હાલ કોરોનાના કેસો વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે.