કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનું જોખમ હજી ઓછું થયું નથી પરંતુ મનોરંજન ઉદ્યોગ માટે એક રાહતના સમાચાર છે. બોમ્બે હાઇકોર્ટે 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કલાકારો તથા ક્રૂના સદસ્યોને શૂટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.
બોમ્બે હાઇકોર્ટે આઉટડોર અને સ્ટુડિયોમાં શૂટિંગ કરવા અંગેના સરકારના આદેશોને ફગાવી દીધા છે.કોરોનાને કારણે માર્ચ મહિનાના અંતથી લોકડાઉન શરૂ થઈ ગયું હતું ત્યારથી ટીવી સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ અટકી ગયા હતા.
થોડા સમય બાદ સરકારે અનલોક-1 હેઠળ શૂટિંગની મંજૂરી તો આપી દીધી હતી પરંતુ તેમાં ઘણા નિયમો અને આદેશો સામેલ હતા જે મુજબ 65 વર્ષથી વધુના લોકો શૂટિંગ કરી શકતા ન હતા.
તેમને સેટ પર જવા મળતું ન હતું ત્યાર બાદ મામલો બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ ટીવી એક્ટર પ્રમોદ પાંડેએ એક અરજી દાખલ કરી હતી. તેમણે શૂટિંગ માટે મંજૂરી આપવાની માગણી કરતાં લખ્યું હતું કે ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બરનું ગુજરાન આ શૂટિંગ પર જ ચાલતું હોય છે.
તેમના પરિવારનો એકમાત્ર આધાર શૂટિંગ જ હોય છે. હવે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ અંગેનો ખુલાસો માગ્યો છે અને તેમનો આદેશ ફગાવી દીધો છે.