દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદને કારણે પણ અનેક જગ્યાઓ પર મુશ્કેલી થઇ રહી છે,દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.
મુંબઈના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ, થાણે, પાલઘરમાં હજુ પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ત્યારે મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વરસાદ બાદની સ્થિતિ મામલે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો છે. PM મોદીએ તમામ શક્ય મદદની વાત કરી છે. મુંબઈની મસ્જિદ અને ભાયખલા સ્ટેશન વચ્ચે 2 લોકલ ટ્રેન રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ હતી તો દક્ષિણ મુંબઈમાં 46 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં આવી સ્થિતિ સર્જાઈ છે.
કોલોબામામાં 106 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મુંબઈમાં છ જગ્યાએ દિવાલ અને મકાન તૂટી પડવાની ઘટના બની છે. જ્યારે 141 સ્થળોએ વૃક્ષ તૂટી પડ્યા છે.
આપને જણાવી દઇએ કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. કોંકણમાં પણ સતત વરસાદના કારણે મુખ્ય 4 નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક તૂટી ગયો છે.
ફાયર બ્રિગેડની એક ગાડી મુંબઈના માર્ગો પર ફરી રહી છે રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ભારે ભરખમ ટ્રકને પણ ચલાવામાં મુશ્કેલી થઈ રહી છે. તો રોડની બન્ને સાઈડ દુકાનો અડધી પાણીમાં ડૂબી ગઈ છે.
રોડની સાઈડમાં પડેલી એક કાર તો પાણીના વેવ્સ અડતા હાલક ડોલક થવા લાગી. લાખો કાર મુંબઈ શહેરમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હજારો મકાનોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે લોકો પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા છે.