અનલોક-3ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 31 જુલાઈએ અનલોક 2 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના વાયરસને લઇને લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં અનલોક-2 પછી જનજીવન રાબેતા મુજબ બન્યું છે, પરંતુ દેશભરમાં કોરોનાના કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હવે અનલોક-3ની શરૂઆત 1 ઓગષ્ટથી થઈ રહી છે. જેની આજે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અનલોક-3માં 1 ઓગષ્ટથી રાત્રિ કર્ફ્યૂને હટાવી દેવામાં આવ્યો છે. જે અનલોક-2માં રાત્રિનાં 10થી સવારનાં 5 વાગ્યા સુધી કર્ફ્યૂને લાદવામાં આવ્યો હતો તેને સંપૂર્ણ હટાવી દેવામાં આવશે. 31 ઓગષ્ટ સુધી શાળા, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે તો 5 ઓગષ્ટથી નિયમોના પાલનની સાથે જીમ, યોગ ઈન્સ્ટિટ્યુટ પણ ખોલી શકાશે. તો 15 ઓગષ્ટની ઉજવણી નિયમો સાથે કરવામાં આવશે. સિનેમા હોલ, સ્વિમીંગ પુલ, મેટ્રો રેલ બંધ રહેશે. તો ધાર્મિક, રાજકીય અને સામાજીક કાર્યક્રમો ઉપર પ્રતિબંધને યથાવત રાખવામાં આવ્યો છે. તો સાથે જ રમતગમત, મનોરંજન, મેળાવડા ઉપર પણ પ્રતિબંધ યથાવત છે. સામુહિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, અન્ય બિમારીઓથી પીડીત દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઘરોમાં જ રહેવાની સલાહ અપાઈ છે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત છે.
ભીડભરી ઘટનાઓ પર પ્રતિબંધ છે. વૈવાહિક કાર્યક્રમોમાં 50 થી વધુ અતિથિઓની મંજૂરી નથી. એ જ રીતે, 20 થી વધુ લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મનાઈ છે. પાન, ગુટખા, તમાકુ અથવા આલ્કોહોલ પીવું જાહેર સ્થળોએ પ્રતિબંધિત છે.