કોરોના મહામારીમાં ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધ્યું છે,ત્યારે હવે ઇ-કોમર્સની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટે આજે તેની હાઇપરલોકલ સર્વિસ‘Flipkart Quick’ની જાહેરાત કરી છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકોને માત્ર 90 મિનિટમાં સામાનની ડિલિવરી કરવામાં આવશે.
મળતી માહિત પ્રમાણે પહેલા તબક્કામાં આ સેવાની શરૂઆત બેંગલુરુથી થશે. ત્યાર બાદ અમુક મહિનાઓમાં આ સેવાનો વિસ્તાર અન્ય 6 શહેરોમાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં કરિયાણું, ફ્રેશ ડેરી પ્રોડક્ટ્સ, મીટ, મોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ એક્સેસરિઝ, સ્ટેશનરી આઇટમ અને હોમ એક્સેસરીઝ જેવી કેટેગરીમાં 2,000થી વધુ પ્રોડક્ટ્સ હશે.
આ સર્વિસનો લાભ લેવા માટે ગ્રાહકોએ આગામી 90 મિનિટમાં ઓર્ડર અથવા સુવિધા અનુસાર 2 કલાકનો સ્લોટ બુક કરવાનો રહેશે. સર્વિસ માટે ગ્રાહક દિવસમાં કોઈ પણ સમયે ઓર્ડર આપી શકે છે અને પોતાના ઓર્ડરની ડિલિવરી સવારે 6 વાગ્યાથી અડધી રાત વચ્ચે ક્યારે પણ મેળવી શકે છે.
જાણવા મળી રહ્યું છે કે ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે શરૂઆતી 29 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક મહિનામાં, ફ્લિપકાર્ટે વિવિધ શહેરોમાં આવશ્યક વસ્તુઓ અને ગ્રોસરીની હાયપરલોકલ ડિલિવરી માટે સ્પેન્સર અને વિશાળ મેગા માર્ટ જેવી છૂટક ચેન સાથે ભાગીદારી કરી છે.