કોરોના કાળમાં ઘણુ બધુ બદલાયુ છે,અને ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે, ત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ઓગસ્ટ ૧થી આઇઓસી દ્વારા LPG ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા તથા ડિલિવરી મેળવવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે.
ત્યારે હવે ગામડાઓમાં વસવાટ કરતા અભણ, અલ્પશિક્ષિતો, ગરીબો અને પછાત ગ્રામ્ય લોકોને LPG સિલિન્ડર મેળવવાનું માથાના દુખાવારૂપ બની રહેશે.એટલે આ નિયમોથી ઘણા લોકોને ફાયદો તો ઘણા લોકોને નુકશાન થશે.
મળતી માહિતી મુજબ નવા નિયમો મુજબ દરેક ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાંથી જ માત્ર ઓનલાઇન રિફિલ બુક કરાવી શકશે. ગ્રાહક રજિસ્ટર્ડ નંબર બદલાવી શકશે નહીં. નોંધાવ્યાના ૪૮ કલાકમાં સિલિન્ડર ઘરે આવે ત્યારે ગ્રાહકે પોતાના જે મોબાઇલ નંબરથી સિલિન્ડર નોંધાવ્યું એમાં આવેલા ડીએસી કોડ ડિલિવરી મેનને આપવો ફરજિયાત બનશે.
ડિલિવરીમેને પણ ફરજિયાત સ્માર્ટ ફોન રાખવો પડશે એક બાજુ ગેસ કંપનીઓએ કોઈ જાહેરાત કર્યા વિના છેલ્લા ૩ માસથી સબસિડી આપવાનું બંધ કર્યું છે. ત્યારે સિલિન્ડર મેળવવામાં પણ દાખલ કરવામાં આવેલા અટપટા નિયમોથી સામાન્ય વર્ગને તકલીફ પડે એવું લાગી રહ્યું છે.