કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, અને જેમ અનલોક કરવામાં આવ્યું છે તેમ વધુ કેસ સામે આવી રહ્યા છે આખા દેશમાં ગયા બે દિવસમાં એક લાખ જેટલા કોરોના ના કેસ સામે આવ્યા છે.
ત્યારે હવે આ બધાની વચ્ચે ભારતની પહેલી કોરોના વાયરસ રસી Covaxin ની હ્યુમન ટ્રાયલ પૂરપાટ ઝડપે ચાલી રહી છે. પીજીઆઈ રોહતકમાં હ્યુમન ટ્રાયલ ફેઝ 1નો પહેલો પાર્ટ પૂરો થઈ ગયો છે. દેશભરમાંથી 50 લોકોને આ રસીનો પહેલો ડોઝ અપાયો છે.
મળતી માહિતી મુજબ પીજીઆઈ રોહતકના વૈજ્ઞાનિકોએ બીજા તબક્કાની તૈયારી શરૂ કરી દીધી. તેમણે વધુ 6 લોકોને રસીનો ડોઝ આપ્યો છે. ટ્રાયલ ટીમમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો.સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે વેક્સિન ટ્રાયલના પ્રાથમિક પરિણામો ‘ઉત્સાહવર્ધક’ છે
આપને જણાવી દઇએ કે Covaxinની સૌથી મોટી ટ્રાયલ દિલ્હી એમ્સમાં ચાલી રહી છે. પહેલા તબક્કામાં અહીં 100 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એમ્સમાં ટ્રાયલમાં ભાગ લેવા માટે લગભગ 3500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 50 ટકાથી વધુ અન્ય રાજ્યના લોકો છે.
દિલ્હીમાં રહેતા મોટાભાગના વોલેન્ટિયર્સના શરીરમાં પહેલેથી જ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી હાજર છે. જેનો અર્થ એ છે કે તેઓ ટ્રાયલ માટે યોગ્ય નથી. એમ્સમાં શુક્રવારે એક વ્યક્તિને વેક્સિનનો ડોઝ અપાયો હતો. તેને કોઈ પણ પ્રકારનું રિએક્શન થયું નહીં. તેને બે કલાક બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.
ભારતમાં બનેલી પહેલી કોરોના રસી Covaxinના ફેઝ 1 ટ્રાયલની 15 જુલાઈથી શરૂઆત થઈ હતી. એમ્સ પટણા એ પ્રથમ ઈન્સ્ટિટ્યૂટ હતી જ્યાં આ વેક્સિનનો ફેઝ 1ની ટ્રાયલ સૌ પ્રથમ શરૂ થઈ. Covaxin એક ‘ઈનએક્ટિવેટેડ’ વેક્સિન છે. તે એવા કોરોના વાયરસના પાર્ટિકલ્સમાંથી બનેલી છે કે જેમને ખતમ કરી દેવાયા હતાં જેથી કરીને તે ઈન્ફેક્ટ ન કરી શકે. તેના ડોઝથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બને છે.