ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે.
સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો.
વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યાવારથી 11 વાગ્યા સુધીમાં 2 લાખ 70 હજારથી વધુ લોકોએ ટ્વીટ કર્યા છે. પેન્ડિંગ ભરતીઓ-પરીક્ષાઓ, પરિણામની લોકો માગ કરી રહ્યા છે.
વર્ષ 2020 અને 21માં 35 હજારથી વધુ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે. આ તમામ જગ્યાઓ ખાલી છે. એલઆરડી, બિનસચિવાલય, તલાટી અને શિક્ષકોની ભરતી છેલ્લા કેટલાક વર્ષોથી થઈ નથી. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલીક પરીક્ષાઓ અલગ અલગ કારણોથી રદ થઈ છે. સરકાર સરકારી ભરતીમાં જાતિવાદ લાવી રહી છે તેવુ યુવાનોનું કહેવું છે. ત્યારે યુવાનોના આ આંદોલનની પેટાચૂંટણી પર મોટી અસર થઈ શકે છે.