2064 સુધીમાં વિશ્વની વસ્તી 9.7 અબજ થઈ જશે, પરંતુ આ બાદ તે સતત ઘટવાનું શરૂ કરશે. જે વર્ષ 2100 સુધીમાં ઘટીને 8.8 અબજ થઈ જશે. જ્યારે કે વર્ષ 2019 માં સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં 2100 સુધીમાં વસ્તીની સંખ્યા 10.9 અબજ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો.
વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધનકારો સંયુક્ત રાષ્ટ્રના અનુમાનને ખોટા ગણાવી રહ્યા છે. મુખ્ય સંશોધનકાર ક્રિસ્ટોફર મુરેના મતે 2100 સુધીમાં 195 દેશોમાંથી 183 દેશોની વસ્તીમાં ઘટાડો જોવા મળશે. 23 દેશોની વસ્તી અડધી થઈ જશે તો 34 દેશોની વસ્તીમાં 25 થી 50 ટકા ઘટાડો જોવા મળશે.
લાન્સેટમાં છપાયેલા આ અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રએ પોતાના સંશોધનમાં ઘટી રહેલા પ્રજનન દર અને વૃદ્ધ લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી પણ નીતિઓ સાથે જોડાયેલા માપદંડોને નજર અંદાજ કરી દીધા હતા.
ક્રિસ્ટોફરના મતે એકવાર વસ્તીમાં ઘટાડો થવા માંડશે તો તેને રોકવું અશક્ય બનશે. જેને પગલે દુનિયામાં મોટા ફેરફારો જોવા મળશે. જે 23 દેશો જેની વસ્તી અડધી થઈ જવાની છે તેમાં જાપાન, સ્પેન, ઇટાલી, થાઇલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ કોરિયા અને પોલેન્ડનો પણ સમાવેશ થયો છે.
હાલમાં ચીનની વસ્તી 1.4 અબજ છે. પરંતુ આવનારા 80 વર્ષોમાં તે 73 કરોડ થઈ જશે. આ દરમિયાન આફ્રિકન દેશો વસ્તીમાં વધારો જોવા મળશે. ઉપ સહારાના આફ્રિકામાં વસ્તી ત્રણ ગણી વધીને ત્રણ અબજ થઈ શકે છે. ખાલી નાઇજિરિયાની વસ્તી જ 80 કરોડ થઈ જશે.
2100 સુધીમાં ભારતમાં વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. જો કે ભારતની વસ્તીમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે નાઇજીરીયા બીજા સ્થાને રહેશે. અર્થતંત્ર અને સત્તાકીય તાકાતની દ્રષ્ટિએ ભારત, અમેરિકા, ચીન અને નાઇજિરિયા વિશ્વના ચાર મહત્વપૂર્ણ દેશો બની જશે. જીડીપીના મામલે ભારત ત્રીજા સ્થાને રહેશે. જ્યારે વિશ્વના 10 મહત્વી અર્થવ્યવસ્થામાં જાપાન, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન હશે.
સંશોધનકારોનું કહેવું છે કે આ અંદાજ પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થશે. કેમ કે ખાદ્ય ઉત્પાદન સિસ્ટમો પરનું દબાણ ઘટશે. કાર્બન ઉત્સર્જન ઘટશે અને ઉપ સહારા આફ્રિકામાં નોંધપાત્ર આર્થિક તકો ઉભી થશે.