સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ ચાલુ છે, મુંબઈ પોલીસે ઘણા લોકોની પૂછપરછ કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ દેશના ઘણા બધા નેતા અને કલાકારો દ્વારા આ કેસમાં CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સુબ્રમણ્યમ સ્વામી આ કેસમાં ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ થઇ શકે છે તેની સંભાવનાઓ તપાસવા માટે તેમણે એક વકીલને નિયુક્ત કર્યા છે અને સોશ્યલ મીડિયા પર પણ તપાસની માંગ ઉઠાવી છે ત્યારે હવે સ્વામીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન પાસે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરતા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સ્વામીએ કહ્યું કે મુંબઈના બોલિવૂડ માફિયા મોતને કવર અપ કરવા માંગે છે. તેમણે વડાપ્રધાનને પત્રમાં લખ્યું છે કે રાજપૂતની આત્મહત્યા પાછળના કારણોને છૂપાવવામાં આવી રહ્યા છે અને ઘણા એવા મોટા નામો છે જે દુબઈના ડોન સાથે સંબંધો ધરાવે છે. તેમના અનુસાર મહારાષ્ટ્ર સરકાર સાબિત કરી દેશે કે સુશાંત સિંહ રાજપૂતે જ જાતે જ આપઘાત કર્યો છે તેથી આપઘાત પાછળનું સત્ય જાણવા માટે એક નિષ્પક્ષ તપાસની જરુર છે.
તેમણે વડાપ્રધાનને જણાવ્યું કે મુંબઈ પોલીસ તો પહેલેથી કોરોના વાયરસના કારણે અતિવ્યસ્ત છે તેથી કેન્દ્ર સરકારે તપાસ માટે CBIને આદેશ આપવા જોઈએ. આ સિવાય તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના સીએમ પણ સીબીઆઈ તપાસ માટે રાજી થઇ જશે.
નોંધનીય છે કે સુબ્રમણ્યમ સ્વામી અને તેમના વકીલ આ આખા કેસમાં નજર રાખી રહ્યા છે. સ્વામીએ કહ્યું હતું કે ‘મેં ઈશકરન ભંડારીને સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં સંભવિત સીબીઆઈ તપાસ અથવા જાહેરહિતની અરજી અથવા આપરાધિક ફરિયાદની તૈયારી શરુ કરવા કહ્યું છે.’ જે બાદ વકીલ ભંડારીએ પણ મુંબઈ પોલીસને પત્ર લખીને લેપટોપ, ફોન, ઈલેક્ટ્રોનિક પૂરાવા સાચવવા કહ્યું હતું.