સુપ્રીમ કોર્ટના નિર્ણયના 8માં મહિનામાં રામમંદિર નિર્માણની શુભ ઘડી આવશે. ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી 3 અથવા 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવી શકે છે. તેના માટે થઈ રહી છે આ તૈયારીઓ
આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તમામ ટ્રસ્ટી, મુખ્ય સંત- ધર્માચાર્ય સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત તમામ મુખ્ય લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. આની વિસ્તૃત જાહેરાત ટ્રસ્ટની 18 જુલાઈની બેઠકમાં થઈ શકે છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના પત્રને પીએમએ ગંભીરતાથી લીધો છે. આ દરમિયાન પીએમઓ 3 ઓગસ્ટ અથવા શ્રાવણ માસના સમાપનના દિન પૂનમની શુભ ઘડીમાં 5 ઓગસ્તના કાર્યક્રમ નક્કી કરવાનો વિચાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે પીએમને પત્ર લખીને જલ્દી અયોધ્યા આવી તેમના હાથે રામમંદિર નિર્માણનું શુભારંભ કરો તેવી વિનંતી કરી છે. તેમણે એમ પણ લખ્યુ છે વીડિયો કોન્ફરન્સિંગ નહીં પણ તમે પોતે રુબરુ આવીને મંદિરનું ભૂમિ પૂજન કરો.
આશા રખાઈ રહી છે કે આવતા અઠવાડિયે કાર્યક્રમની તારીખ નક્કી કરી જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે શિલાન્યાસ 1989માં થઈ ગયો છે. પીએમ ફક્ત પ્રતિકાત્મક શરુઆત કરશે. કોરોનાને પગલે ભીડ ભેગી કરીને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે.