કોરોનાના સંક્રમણ મુદ્દે શહેરીજનો ગંભીર ન બનતા વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા કોર્પોરેશને હવે માસ્કના દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી છે.
જે મુજબ વડોદરામાં આજથી માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી વડોદરામાં માસ્ક ન પહેરા બદલ 200 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો. જોકે, હવે આ દંડની રકમ વધીને રૂ. 500 થઈ ગઈ છે.
કોરોનાને અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર જગ્યા પર માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત બનાવ્યું છે. છતાંય લોકો હજુ તેની ગંભીર નોંધ નતી લેતા અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય છે. જેથી તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા બદલ દંડની રકમમાં વધારો કર્યો છે. આંકડાઓ મુજબ અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં મંગળવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં 915 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 43723એ પહોંચ્યો છે. જેમાં વડોદરાના 76 કેસોનો પણ સમાવેશ થાય છે. મંગળવારે વડોદરામાં 62 દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા સિટી અને કુલ કેસોની સંખ્યા 3219 થઈ છે. અત્યાર સુધી કુલ 2374 દર્દી રિકવર થયા છે. તેજમ 775 કેસ એક્ટિવ છે.