5જી ટેક્નોલોજી હજી ભારતમાં આવી નથી, પરંતુ સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ તેમના 5જી સપોર્ટ કરતા મોડલ્સ લોન્ચ કરવાના શરુ કરી દીધા છે. ચાલો જાણીએ કે 4G અને 5Gની વચ્ચે શું તફાવત છે અને 5G ટેક્નોલોજીની સ્પીડ 4Gની તુલનામાં કેટલી વધારે હશે.
જો વિશ્વના સ્માર્ટફોન વપરાશકારોની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર 2019ના આંકડા મુજબ ચીનમાં 85.11 કરોડ, ભારતમાં 34.59 કરોડ, અમેરિકામાં 26.02 કરોડ, બ્રાઝિલમાં 9.68 કરોડ અને રશિયામાં 9.53 કરોડ વપરાશકર્તાઓ છે.
દુનિયામાં ઓનલાઈન બેકિંગને 1 અબજ લોકો સુધી પહોંચતા 41 વર્ષનો સમય લાગ્યો હતો. તેની સામે સ્માર્ટફોન્સ લોન્ચ થયાના 19 વર્ષમાં 1 અબજ યુઝર્સનો આંકડો વટાવી ગયા હતા. 3G અને 4G ટેક્નોલોજીને 1 અબજ વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં 12 વર્ષનો સમય લાગ્યો હતો. જો કે એવું માનવામાં આવે છે કે 5G ટેક્નોલોજીને 1 અબજ વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં ફક્ત 3.5 વર્ષનો સમય લાગશે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે 5G ટેક્નોલોજીમાં 4G કરતા 20 ગણી વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળશે. આનો અર્થ એ છે કે 4G vs 5Gની વાત કરવામાં સૌથી વધારે બેન્ડવિથ સાથે 4G 1 GBPS અને 5G તોતિંગ 10 GBPSની સ્પીડ આપશે. 4Gમાં એક ફિલ્મ ડાઉનલોડ કરવામાં 6 મિનિટ લાગે છે જયારે 5Gમાં એક ફિલ્મ 20 સેકન્ડમાં થઇ જશે.
જો કે 5G ટેક્નોલોજી આ સ્પીડ સાથે વિવાદમાં પણ ફસાયેલી છે. દેશવિદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 5Gના તરંગો કેન્સર માટે જવાબદાર થઇ શકે છે જેથી તેમને મંજૂરી ન મળવી જોઈએ. જો કે નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો આ બાબતને નકારી રહ્યા છે.