કોરોના વાયરસે દેશને બાનમાં લીધું છે. જૂન મહિનાની શરૂઆતથી જ ભારતમાં કોરોના કેસમાં ભડકો થયો છે વિવિધ રાજ્યોમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે હવે બિહારમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 15 દિવસના લોકડાઉન માટે ગાઈડલાઈન પણ આપવામાં આવી છે.
કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે બિહારમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. બિહારમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતીશ સરકારે રાજ્યમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં 16મી થી 31મી જુલાઈ સુધી ટોટલ લોકડાઉન લાગુ રહેશે અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
બિહાર સરકારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ દિપક કુમારની અધ્યક્ષતામાં બેઠક બાદ લોકડાઉન લાગુ કરી દેવાનો નિર્ણય લીધો છે. નિર્ણય લેતા પહેલા મુખ્ય સચિવે બધા જ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી બેઠક કરી હતી. બિહારમાં લોકડાઉન કરવાની જાણકારી ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની રસી કે દવા નથી તેથી બધાએ માસ્ક લગાવવું સુનિશ્ચિત છે તો જ આપણે તેને હરાવી શકીશું.
નોંધનીય છે કે જૂન મહિનાની શરૂઆતથી જ અનલોક-1 અને તે બાદ અનલોક-2 લાગુ કર્યા બાદથી જ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે વવિધ રાજ્યોમાં લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવારે ઓફીસ અને બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંગળવાર સુધી બિહારમાં કોરોના વાયરસના કુલ કેસ 17 હજારને પાર થઇ ગઈ છે. પ્રદેશમાં અત્યાર સુધી 134 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.