રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદ શહેરમાં લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ કહેર વચ્ચે રાહતનાં સમાચાર એ છે કે જુલાઈ મહિનાથી ચેપગ્રસ્તોના કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે શહેરની પરિસ્થિતિ ફરીથી ખરાબ ના થાય તે માટે વહીવટી તંત્ર ફુલ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં શહેરનાં તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રખાશે, સાથે સાથે અન્ય જિલ્લાઓમાંથઈ આવતા તમામ વાહનોનું સઘન ચેંકિગ હાથ ધરવાની સાથે મુસાફરોનું સ્ક્રિનિંગ પણ હાથ ધરવામાં આવશે.
ત્યારે સોમવારનાં રોજ અમદાવાદ શહેરનાં st સ્ટોપ અને નેશનલ હાઈવે સહિતનાં સ્થળ પર હજારથી વધુ કોવિડ-19 કોરોનાવાયરસનો તંત્ર દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન અંદાજીત 15 જેટલા લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો હતો. અને તમામ ચેપગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ શહેર તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ વાહનોનું ચેંકિગની સાથે સાથે મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર આવતી તમામ બસોમાં મુસાફરી કરતા અંદાજીત 560 મુસાફરોનું રેપિડ એન્ટિજન ટેસ્ટ વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમ્યાન 6 વ્યક્તિઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અને તંત્ર પણ સાવધ થઈ ગયું છે.