લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકોના ઘર્ષણને લઇને બંન્ને રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારત સરકારે સુરક્ષાના કારણો દર્શાવીને ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ત્યારે આ મુદ્દે ગિન્નાયેલા ચાઇનાએ ભારત સાથેની એક બેઠકમાં આ મુદ્દો ઉછાળ્યો હતો.
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે બંન્ને રાષ્ટ્રો વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ચીને પોતાની વાત મુકી હતી. જો કે, ભારતે જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.
સરકાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકીય સ્તરની ચર્ચા દરમિયાન ચીન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપ્યો હતો કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો અને અમે નાગરિકોના સંવેદનશીલ ડેટા સાથે સમજૂતી ન કરી શકીએ.
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા ટિકટૉક, હેલો અને વીચેટ સહિતની 59 જેટલી ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. 29 જૂનના રોજ જાહેર કરેલ આદેશમાં કેન્દ્ર સરકારે આ એપ્સ પર યુઝર્સની જાણકારીની ચોકી કરવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.જો કે, પ્રતિબંધ બાદ ચીન સતત આ મુદ્દે નિવેદન આપતું રહ્યું છે અને જણાવી રહ્યું છે કે, ભારતની જવાબદારી બને છે કે, તે આંતરરાષ્ટ્રીય રોકાણકારોની અધિકારોનું રક્ષણ કરે.
ઉલ્લેખનીય છે કે, લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં ચીની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાને લઇને લોકજુવાળ ઉભો થયો હતો અને ત્યારે આ સમયે ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું.