દરેક ગૃહુણીએ ભરેલાં રિંગણ, ભીંડા, મરચાં, બટાકાં વગેરે બનાવ્યા જ હશે. આપણે ત્યાં શિયાળામાં ભરેલાં શાક ખાવાની મજા કઈક જુદી જ હોય છે. અને શિયાળો આવી ગયો છે અને તેથી જ આજે અમે લાવ્યા છીએ ભરેલાં ટામેટાંની રેસિપિ. કદાચ સાંભળીને આશ્વર્ય થયું હશે.પણ આ વાનગી એકવાર ખાધા બાદ વારંવાર ખાવાનું મન થશે. તો ચાલો નોંધી લો આ રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.
જરૂરી સામગ્રી:
- ૧૦ નંગ નાના લાલ કડક ટામેટાં
- ૪ ચમચા ઝીણું ખમણેલું લીલું કોપરું
- ૪ ચમચા આખા ધાણા
- ૧૫ નંગ કાળા મરી
- ૪ નંગ લવિંગ
- 3 નંગ તજ
- ૨ નંગ તેજપત્તાં
- ૪ નંગ સૂકાં લાલ મરચાં
- ૧/૨ ચમચી હળદર
- ૧/૪ ચમચી ખાંડ
- 2 ચમચી ગરમ મસાલો
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચપટી હીંગ
- ૧ ચમચો કોથમીર સમારેલી
- ૧૧/૨ ચમચો તેલ
બનાવવાની રીત:
સૌપ્રથમ બધા મસાલા જેમ કે ધાણા, મરી, લવિંગ, તજ, તેજપતાં અને સૂકાં લાલ મરચાંને વાટી લો. ત્યારબાદ ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપી ઊભો ચીરો કરો.
હવે વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખી આ તૈયાર કરેલો મસાલો ટમેટાંમાં ભરો.
હવે એક કડાઈ લઇ તેમાં તેલ ગરમ કરો. આ તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હીંગનો વઘાર કરો.વઘારમાં હળદર નાખી ભરેલાં ટામેટાં વઘારો.
વાસણ ઊંચું-નીચું કરતાં ટામેટાંને હલાવો. ત્યાર બાદ ઉપર થાળીમાં થોડું પાણી મૂકી ઢાંકો. ત્રણથી ચાર મિનિટ પછી થાળી લઈ લો.
આ પછી ગરમ મસાલો નાખી પાછાં ટામેટાંને હલાવો. બે મિનિટ ઢાંક્યા વગર ગેસ ઉપર રહેવા દો.
હવે તૈયાર છે ટેસ્ટી એવા ભરેલાં ટામેટાં ની રેસીપી. અને હા રેસીપી કેવી લાગી એ અમને અમારા ફેસબુક પેજમાં કોમેન્ટ કરી જરુંર જણાવજો.